દ્વારકાધિશ જગતમંદિરની વાર્ષિક આવક રૂ. ૭.૯૭ કરોડ થઈ હતી. ચાલુ વર્ષે કુલ ૪૧૫ ગ્રામ સોનું તેમ જ ૩૫ કિલો ચાંદીનો ચઢાવો પણ નોંધાયો હતો. કુલ આવકમાંથી ૮૩ ટકા આવક પૂજારીને હિસ્સે જાય છે. ૧૫ ટકા હિસ્સો મંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતિને ફાળે અને બે ટકા હિસ્સો ચેરિટી કમિશનરની ઓફિસે જમા થાય છે.
જામનગરની તળાવ વિકાસ યોજના આગળ વધશેઃ જામનગર મહાપાલિકા દ્વારા શહેરની મધ્યમાં તૈયાર કરાયેલી રૂ. ૪૫ કરોડની રણમણ તળાવ વિકાસ યોજના સામે થયેલી ત્રણેય રીત ગુજરાત હાઈ કોર્ટે ગત સપ્તાહે રદ કરી છે. આ રીટ અંગે અગાઉ કામગીરી સામે અપાયેલો મનાઈ હૂકમ ઊઠાવી લેવાયો છે. આથી આ સમગ્ર પ્રોજેક્ટને હવે ફરીથી મંજૂરી મળી છે. મહાપાલિકાએ, શહેરની મધ્યમાં અંદાજે ૩૦ હેક્ટર વિસ્તારને સાંકળતો આ પ્રોજેક્ટ સ્વર્ણિમ જયંતી મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધર્યો હતો. તેનું ડિસેમ્બર ૨૦૧૩માં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. દરમિયાન, પર્યાવરણ અને પક્ષી તથા અન્ય મુદ્દાઓ ઊઠાવીને આ યોજના વિરુદ્ધ જામનગર ઈન્ટેક ચેપ્ટર, લાખોટા નેચર ક્લબ દ્વારા હંગામી મનાઈ હૂકમ મેળવાયો હતો.
ડો. સાવલાની કેન્યામાં સેવા પ્રવૃત્તિઃ ઓશવાળ સમાજ અને સમગ્ર જૈન સમુદાયના ગૌરવસમાન આંખના સર્જન ડો. એસ. કે. સાવલા અનેક સેવા પ્રવૃત્તિ કરે છે. ડો. સાવલા તથા તેમનાં પત્ની નીતાબહેન સાવલા છેલ્લા ૩૬ વર્ષથી થીકા (કેન્યા) આફ્રિકામાં યોજાતા સર્જિકલ આઈ એન્ડ ઈએન્ડ ટી કેમ્પમાં ડોક્ટરોની ટીમ સાથે સેવા આપે છે. આંખના ડોક્ટરો અને ૫ ઈએનટી ડોક્ટરો પણ કેન્યા સેવાયજ્ઞમાં જોડાવવા માટે તા. ૧૨ એપ્રિલે જવા રવાના છે. ડો. સાવલા કેન્યા ઉપરાંત કચ્છ (ગુજરાત), યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં પણ પોતાની સેવાઓ આપે છે.