અમદાવાદ: કેન્દ્રના શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ તાજેતરમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ત્રણ દીવાદાંડી સહિત દેશમાં ૧૯૪ જેટલા દીવાદાંડીના સ્થળોને મુખ્ય પર્યટક આકર્ષણ સ્થળ તરીકે વિકસાવવાની સરકારની યોજના છે. દેશમાં હાથ ધરાઈ રહેલા લાઈટહાઉ- દીવાદાંડી વિકાસ પ્રોજેક્ટના તાગ કાઢવા તેમણે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે પ્રવાસન પ્રવૃત્તિ વિકસાવવા માટે હાથ ધરાઈ રહેલી કામગીરીમાં થયેલી પ્રગતિની માહિતી જાણકારી મેળવીને તેમણે ક્યાસ કાઢયો હતો. માંડવિયાએ કહ્યું કે, લગભગ ૧૦૦ વર્ષ કરતાં વધુ જૂનો ઈતિહાસ ધરાવતી દીવાદાંડીઓને ઓળખ આપવાનો પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જેના પરિણામે દીવાદાંડી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે અને દીવાદાંડીના સમૃદ્ધ ઈતિહાસની જાણકારી મેળવવાની લોકોને તક મળશે. આ બેઠકમાં હાજર રહેલા અધિકારીઓએ ગોપનાથ, દ્વારકા અને વેરાવળના પ્રવાસન સ્થળોને વિકસાવવા માટેની વિસ્તૃત એક્શન પ્લાન રજૂ કર્યો હતો. માંડવિયાએ, દેશમાં ૧૦૦ વર્ષ કરતાં વધુ ઈતિહાસ ધરાવતી દીવાદાંડીઓ શોધી કાઢવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. દીવાદાંડીના ઈતિહાસ અને તેની કામગીરી તેમજ લાઈટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવાતા સાધનો- ઉપકરણો વગેરે અંગે વિસ્તૃત માહિતી દર્શાવતું મ્યુઝિયમ તૈયાર કરવા પર તેમણે ભાર મૂક્યો છે.