દ્વારકા: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનું જગતમંદિર લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે. દ્વારકાનું ખારાશ વાળું વાતાવરણ, ભેજવાળી હવા ઉપરાંત ૨૦૦૧માં આવેલા ભૂકંપે દ્વારકા જગતમંદિરના માળખાને મહદઅંશે ક્ષતિ પહોંચાડી છે. મંદિરના સ્તંભ તથા અન્ય માળખા જર્જરિત થયા હોવાથી જિર્ણોદ્ધાર જરૂરી છે. મંદિરના સ્તંભ અને મથાળા સહિતના પથ્થરો પણ નબળા થયા છે. રવિવારે પુરાતત્ત્વ વિભાગ વડોદરાની ટીમ સર્વે માટે દ્વારકા આવી પહોંચી હતી. સર્વે કરીને સરકામાંથી સૂચના મુજબ આગામી સમયમાં મંદિરનો જિર્ણોદ્ધાર થશે તેમ ટીમ દ્વારા જણાવાયું હતું. રવિવારે પુરાતત્ત્વ વિભાગ બરોડાની ટીમના સુપ્રિટેન્ડન્ટ શિવ કુમાર તથા તેમની ટીમ દ્વારકા જગત મંદિરનો સર્વે કરવા આવી પહોચી હતી. મંદિર પરિસરમાં આવેલા જગત મંદિર સાથે અન્ય મંદિરોનો સર્વે હાથ ધર્યો હતો. રિપોર્ટ બનાવી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારને આપવામાં આવશે તેમ સર્વેની ટીમ દ્વારા જણાવાયું હતું. વડી કચેરીની સૂચના મુજબ જિર્ણોદ્ધારનું કામ શરૂ કરાશે.
મંદિરની ડિઝાઇનમાં કોઇ ફેરફાર નહીં
પુરાતત્ત્વ વિભાગ દ્વારા પથ્થરો નબળા થતા જિર્ણોદ્ધાર કરાશે, પરંતુ મંદિરની ડિઝાઇનમાં કોઇ પણ જાતના ફેરફારો નહીં થાય. સરકારમાંથી મજૂરી મળ્યા બાદ જગતમંદિરની ડિઝાઇન યથાવત સ્થિતિમાં રહેશે. મંદિરના પથ્થરો તેમજ નબળા પડેલા પીલોળોનો જિર્ણોદ્ધાર થશે.
ઉલ્લેખનીય છે કે જગપ્રસિદ્ધ દ્વારકા યાત્રાધામમાં ભારે તોફાની પવન અને અતિવૃષ્ટિને કારણે જગત મંદિર શિખર ઉપર ધ્વજાજી આરોહણનો દંડ ૧૦મી જુલાઈએ તૂટી ગયો હતો. વરસાદી વાતાવરણના કારણે અમુક દિવસો સુધી ધ્વજાજી સોપારી દંડ ઉપર આરોહણ થયું હતું. સવારથી ઉઘાડ નીકળતા ગુગળી જ્ઞાતિ, દેવસ્થાન સમિતિ અને ભારતીય પુરાતત્ત્વ વિભાગની સંયુક્ત કામગીરીથી ધ્વજદંડનું પુનઃ નિર્માણ કરાયા બાદ વર્ષોથી ધ્વજાજી આરોહણ કરતાં અબોટી જ્ઞાતિના ભરતભાઈ ત્રિવેદી અને અશોકભાઈ વગેરેએ નવા દંડ ઉપર ધ્વજાજી લહેરાવ્યા હતા.