દ્વારકાઃ જગતમંદિર દ્વારકાધીશની આરતીનાં દ્વાર સોમવારથી ભાવિકો માટે ખૂલી ગયાં છે. જગતમંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન સાથે આરતીનો લાભ લઇ શકશે. આરતીના સમયે તમામ ભક્તોને પ્રવેશ અપાઈ રહ્યો છે. આરતી દરમિયાન તમામ ગાઈડલાઈનનું પાલન કરાશે. મહત્ત્વનું છે કે કોરોનાના સંકટ વચ્ચે ભાવિકોને રક્ષણ મળે એ માટે દ્વારકા જગતમંદિર પરિસરને રજતભસ્મ દ્વારા સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. સરકારની ગાઇડલાઇન મુજબ, આયુર્વેદિક પદ્ધતિથી રવિવારની રાત્રીના સમયથી આ કામગીરી શરૂ કરાઈ હતી.
બીજી તરફ યાત્રાધામ અંબાજી અને સોમનાથમાં આરતી વખતે ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નથી. શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અંબાજી અને સોમનાથ મંદિરમાં માત્ર દર્શનનો લાભ લઇ શકે છે.
અત્યાર સુધી ઓનલાઇન આરતી
કોરોનાના કારણે અત્યાર સુધી દ્વારકાધીશની આરતી ઓનલાઈન જોઈ શકાતી હતી. હવે આરતીના દર્શન પણ ખુલ્લાં મુકાયાં છે ત્યારે ભાવિકોએ દ્વારકા મંદિરમાં પ્રવેશ વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
દ્વારકાધીશ મંદિરમાં દાન ઘટ્યું
જગતમંદિરમાં ભાવિકો યથાશક્તિ મુજબ સોના, ચાંદી તેમજ રોકડ સહિતનું દાન અર્પણ કરતા હોય છે. જગતમંદિરમાં ૨૦૨૦-૨૧ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. યાત્રિકોની ઓછી હાજરીને લીધે દાનમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે દ્વારકા મંદિરમાં રૂ. ૯૨૮૭૪૦૦નું રોકડ દાન પ્રાપ્ત થયું છે. કોરોના મહામારીને લીધે જગતમંદિરની આવક ગત વર્ષ કરતાં ઘટી છે. જગતમંદિરની આવકમાં આશરે ૮૩ ટકાનો હિસ્સો પૂજારી પરિવારના ભાગે જાય છે. ૧૫ ટકા હિસ્સો જગતમંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતિના ભાગે આવે છે અને ૨ ટકા હિસ્સો ચેરિટી ટ્રસ્ટના ભાગે જાય છે.
આ વર્ષે ૯૨ લાખ આવક
ચાલુ વર્ષે કોરોના વાઇરસને લીધે જગતમંદિર અઢી માસ સુધી બંધ રહ્યું હતું. હાલ જગતમંદિર ખૂલ્યું છે, પરંતુ ટ્રેન, બસની સુવિધાઓ ભાવિકોને પ્રાપ્ત થતી નથી તેથી યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો દેખાય છે.