દ્વારકાઃ જગત મંદિરમાં પૂર્ણિમાની રાતે એટલે કે બીજી જૂને મંજૂરી વગર યોજાયેલા અન્નકૂટ મહોત્સવ અને રાસોત્સવનું કેટલાક લોકોએ લાઈવ વેબકાસ્ટિંગ કર્યું હતું. મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ હોવા છતાં ઘણા લોકો મોબાઈલ ફોન સાથે મંદિરમાં ઘૂસી ગયા હતા અને ફેસબૂક પર લાઈવ વેબ કાસ્ટિંગ કર્યું હતું. આ પ્રકરણમાં પૂજારી નલિનભાઈની પોલીસે પૂછપરછ આદરી છે.
દ્વારકા જગત મંદિરના વિવાદની તપાસ કરાવવા દેવ સમિતિના ટ્રસ્ટી પરેશ ઝાખરીયાએ રાજ્યના ગૃહ પ્રધાન સમક્ષ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં ગૃહ મંત્રાલયના આદેશથી પોલીસે તપાસ આદરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, દેવસ્થાન સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટર છે અને તેમના દ્વારા જાહેરનામું પણ બહાર પડાયું છે કે મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોવાથી પ્રાંત અધિકારી અને દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટદારને રિપોર્ટ સોંપી અભિપ્રાય લેવાશે.
બીજી તરફ પૂજારી નલિનભાઈએ જણાવ્યું હતું કે, મંદિરમાં રાસોત્સવનું કેટલાય ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવ ટેલિકાસ્ટ થયું છતાં પોલીસે માત્ર મારું જ નિવેદન લીધું છે. તેમણે દ્વારકા પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો.
દ્વારકાથી પાકિસ્તાની જળસીમા નજીક હોવાથી જગતમંદિર સહિતનો વિસ્તાર ઝેડ પ્લસ સુરક્ષામાં આવે છે. જેથી મંદિર પરિસરમાં ૪૨ સીસીટીવી લગાવાયા છે. જોકે પોલીસે એકરાર કર્યો છે કે મંદિરમાં ફિટ કરાયેલા ઘણાખરા કેમેરા બંધ છે અને તેની સ્ક્રિન પણ બરાબર કામ કરતી નથી. જ્યાં રાસોત્સવ હતો તે જગાનો કેમેરા પણ ચાલુ નથી. પોલીસે પૂજારીની પૂછપરછ સાથે એવો એકરાર પણ કર્યો છે કે સીસીટીવી બરાબર કામ કરતા નથી. જેથી જગત મંદિરની સુરક્ષા સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે.