દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયાઃ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે જેલમાં પણ ગયા હતા

Tuesday 13th September 2022 07:11 EDT
 
 

દ્વારકાઃ જ્યોર્તિમઠ - બદ્રીનાથ અને શારદાપીઠ - દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ દેશની આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ મુદ્દે કાનૂની લડાઈ પણ લડી હતી. સ્વરૂપાનંદ સરસ્વતીજીને સોમવારે સાંજે સંતો - મહંતો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરમહંસી ગંગા આશ્રમ ખાતે સમાધિ અપાઇ હતી. તેમની ઇચ્છા અનુસાર, જ્યોતિષપીઠ-બદ્રીનાથના શંકરાચાર્ય તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી જ્યારે દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય તરીકે દંડીસ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની શંકરાચાર્યની નિયુક્તિ કરાઇ છે.
નવ વર્ષની ઉંમરે ધર્મયાત્રા
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બે મઠના (દ્વારકા અને જ્યોર્તિમઠ) શંકરાચાર્ય હતા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના જબલપુર પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મયાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને ત્યાં બ્રહ્મલીન સ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું. વર્ષ 1942ના સમયગાળામાં તેઓ માત્ર 19 વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા.
19 વર્ષની વયે સ્વાતંત્ર્ય સેનાની
1942માં ‘અંગ્રેજો ભારત છોડો..’ આંદોલનની જાહેરાત કરાઇ ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ તેમાં જોડાયા હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા હતા. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્ય પ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.
1950માં દીક્ષા, 1981માં શંકરાચાર્ય
સ્વામી સ્વરૂપાનંદને 1950માં દંડી સન્યાસી બનાવાયા હતા. જ્યોર્તિમઠ પીઠના બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી હતી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીએ રામજન્મભૂમિ ન્યાસ મુદ્દે અનેક વખત વિહિપ અને ભાજપને નિશાન બનાવી ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે, હિન્દુઓમાં શંકરાચાર્ય જ સર્વોચ્ચ હોય છે. હિન્દુઓની સુપ્રીમ કોર્ટ અમે જ છીએ. મંદિરનું એક ધાર્મિકરૂપ હોવું જોઈએ, પરંતુ વિહિપ-ભાજપ તેને રાજકીય સ્વરૂપ આપવા માગે છે, જે અમને માન્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter