જગવિખ્યાત દ્વારકા મંદિરે શ્રદ્ધાળુઓ યથાશક્તિ દાન કરીને ધન્યતા અનુભવે છે. આવા જ એક ગાંધીધામના કૃષ્ણભક્ત રામીબહેન બાબુભાઈ આહિરે પરિવાર દ્વારા શ્રીજીને આશરે ૧૧ તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો હતો. થોડા સમય પહેલાં જ અન્ય એક ભાવિકે પણ પરિવાર સાથે ચાંદીના આભૂષણો દ્વારકાધીશજીને અર્પણ કર્યાં હતાં.
• માછલાની લાલચમાં પાક.ની જળસીમામાં ઘૂસશો તો હેરાન થશોઃ સૌરાષ્ટ્રના માછીમારો જાણતા અજાણતા ફિશિંગ માટે પાકિસ્તાન જળસીમામાં પ્રવેશી જાય છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અવારનવાર તેમને ફિશિંગ બોટો સહિત ઉઠાવી જવામાં આવે છે. તેથી પોરબંદર જિલ્લાના ગામોમાં દરિયાઈ સુરક્ષા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. પોરબંદર પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત માછીમાર જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે ચાર દિવસ સુધી પોરબંદર જિલ્લાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારો માધવપુર, સુભાષનગર, ભાવપરા, મિયાણી, નવી બંદર વગેરેમાં દરિયાઈ કાનૂનને સરળતાથી માછીમારો સમજી શકે તે માટે નાટક દ્વારા કાયદાઓનું વર્ણન કર્યું હતું. જેમાં માછીમારોને પોલીસકર્મીએ ખાસ સંદેશો અપાયો હતો કે માછલાંની લાલચમાં દેશની સીમા પાર કરશો તો હેરાન થઈ જશો.
• લાલપુરમાં રૂ. ૧૪.૫૦ કરોડના ખર્ચે નવા રોડ બનશેઃ લાલપુર તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ યોજનાઓમાં રોડના કામો મંજૂર થયા હતા. તેમાં મુખ્ય પ્રધાનની ગ્રામ સડક યોજનામાં લાલપુર તાલુકામાં નવા રોડ બનાવવાના રૂ. ૧૪ કરોડ ૫૦ લાખના નવા કામને લીલીઝંડી મળતાં તાજેતરમાં રસ્તાના કામોનું ખાતમુહૂર્ત થયું હતું.
• ૨૦૧૭ની ચૂંટણી માટે ‘પાસ’ દ્વારા કોંગ્રેસ પાસે ૪૦ ટિકિટની માગઃ પાસના સૌરાષ્ટ્ર કન્વીનર લલિત વસોયા અને રાજકોટ જિલ્લા કન્વીનર બ્રિજેશ પટેલ વચ્ચે વ્હોટ્સ એપમાં થયેલી વાતચીત તાજેતરમાં જાહેર થતાં રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. બંને વચ્ચે વ્હોટ્સ એપ પર થયેલી વાતચીતમાં સ્પષ્ટ થતું હતું કે, ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ‘પાસ’ દ્વારા કોંગ્રેસ પાસેથી ૪૦ ટિકિટ માગવામાં આવી છે.
• સુત્રાપાડામાં ગેરકાયદે ખનીજ ખનનઃ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગીર-સોમનાથ જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રીએ છગિયા ગામના બાબુ અરજણ બારડ નામના ભૂમાફિયા વિરુદ્ધ ૧,૫૫,૯૪૫ મેટ્રીક ટન લાઇમસ્ટોનનું ગેરકાયદે ખનીજ ખનન કરી આશરે રૂ. પ કરોડની ખનીજ ચોરી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા સુત્રાપાડા પોલીસે ગુજરાત મિનરલ્સ એકટ ૨૦૧૫ અન્યવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુંદરપરા ગામના રામાભાઇ ભીમાભાઇ ડોડિયા નામના ફરિયાદીએ ગુજરાત રાજય તકેદારી આયોગમાં પણ આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
• હળવદમાં નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણઃ હળવદના સરકારી દવાખાનામાં ત્રિવિધ કાર્યક્રમનું ૨૭મી જૂને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દંતયજ્ઞ, નેત્રયજ્ઞનું આયોજન હતું અને ગૌ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. દંતવૈદ્ય લાભશંકરભાઈ શુકલની સ્મૃતિ વંદના અંતર્ગત દંતયજ્ઞનો આશરે ૩૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. રાજકોટના રણછોડદાસબાપુ હોસ્પિટલના તબીબોના સહયોગથી નેત્રયજ્ઞ યોજાયો હતો અને મોતિયાના ૨૬ જેટલા દર્દીઓને રાજકોટ લઈ જઈ વિનામૂલ્યે ઓપરેશન કરી આપાયું હતું.
• ઉપલેટામાં સ્વ. પંકજસિંહ જાડેજા રોડઃ ઉપલેટામાં સતત સાત વર્ષ સુધી મામલતદાર તરીકે સેવા આપીને તમામ સમાજ અને સમગ્ર તાલુકામાં લોકચાહના મેળવનારા નિષ્ઠાવાન ડે. કલેક્ટર
સ્વ. પંકજસિંહ જાડેજાની કાયમી યાદગીરી માટે ૨૨મી જૂને નાગનાથ ચોકથી જિન મિલ ચોક સુધીના રોડને તેમનું નામ અપાયું છે. આ રોડને તેમના નામકરણ અને લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા અને રાજપૂત સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૨૫૦થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.
• સાવરકુંડલા પાસે ૨૪૧ કિલો ચંદન પકડાયુંઃ સાવરકુંડલા રૂરલ પોલીસે બાતમીના આધારે સાવરકુંડલા - ખાંભા રોડ પર વોચ ગોઠવીને એક કારમાંથી તાજેતરમાં રૂ. ૫૩ લાખના ૨૪૧ કિલો લીલા ચંદનના લાકડા પકડી પાડયા હતા. પોલીસે ચંદનના લાકડાનો આ જથ્થો વન વિભાગને સોંપી દીધો છે.
• ગોંડલમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે આઠ રસ્તાઓ સ્માર્ટરોડ બનશેઃ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનેલા ગોંડલના માર્ગો હવે નવું રૂપ ધારણ કરશે. રૂ. ૧૧ કરોડના ખર્ચે આઠ માર્ગોને સ્માર્ટરોડ બનાવવાનું આયોજન નગરપાલિકા દ્વારા કરાયું છે. ભૂગર્ભ ગટરન કામગીરી પૂરી થયા બાદ રાજમાર્ગોને નવો ઓપ આપવા તંત્રએ કમર કસી છે.