અમદાવાદઃ દ્વારકા શહેરમાં રહેતું મુસ્લિમ કુટુંબ છેલ્લી ચાર પેઢીથી દ્વારકાધીશના મંદિરમાં આરતી સમયે પરંપરાગત રીતે ઢોલ વગાડે છે. હાસમ જુસબ માખડા હાલ નિયમિત સવાર સાંજ આરતી સમયે ઢોલ વગાડે છે. માખડા પરિવારનો મુખ્ય વ્યવસાય ઢોલ અને શરણાઇ વગાડવાનો છે.
મુસ્લિમમાં માખડાને લંધાથી ઓળખવામાં આવે છે. દ્વારકાધીશના મંદિરમાં થતી આરતીમાં ઢોલ વગાડવાની પરંપરા ગાયકવાડ સમયથી થઇ હતી. ચાર પેઢી પહેલાં માખડા પરિવારને ગાયકવાડ સરકાર દ્વારા મંદિરમાં આરતી વખતે ઢોલ વગાડવાનું કહેવામાં આવ્યું હતું જેની સામે મોખડા પરિવારને વેતન પણ ચૂકવવામાં આવતું હતું
મોખડા એક માત્ર પરિવાર દ્વારકા શહેરમાં રહે છે. આ મોખડા પરિવાર મંદિરની પાસે જ વસવાટ કરે છે.
આ અંગે હાસમ કહે છે કે, મુસ્લિમ હોવા છતાં દ્વારકાધીશના મંદિરમાં આરતીમાં ઢોલ વગાડવાનો મોકો મળ્યો છે તેથી હું ધન્યતા અનુભવું છું.
ભગવાન દ્વારાકાધીશની આરતીનો લાભ લેવા દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ લાઇનમાં ઉભી રહી દર્શન કરે છે ત્યારે હું ભાગ્યશાળી છું કે મને તો દરરોજ ભગવાનના દર્શન થાય છે. અહી દર્શનાર્થે આવતા ઘણા લોકો મને મારી જ્ઞાતિ પૂછે છે. હું જ્યારે તેમને કહું કે હું મુસ્લિમ છું ત્યારે લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે. જોકે મારા માટે મંદિર અને મસ્જિદ એક સમાન છે. માણસ કોઇ પણ તીર્થધામમાં પ્રવેશે ત્યારે તે શ્રદ્ધાળુ બની જાય છે તે કોઇ પણ ધર્મ વિશેષનો રહેતો નથી.