જામનગરઃ ગત વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા-કલ્યાણપુર બેઠક પર ૬૦૦૦ મતથી વિજેતા બનેલા ભાજપના પબુભા માણેકે ઉમેદવારી ફોર્મમાં ક્યાંથી ચૂંટણી લડે છે, તે દર્શાવ્યું ન હતું. જેની સામે કોંગી ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઇ કોર્ટમાં રિટ પીટિશન દાખલ કરી જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી કરી હતી. જે અનુસંધાને તાજેતરમાં જ હાઇ કોર્ટે ચુકાદો આપી ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. હાઇ કોર્ટના ચુકાદાને પબુભા માણેકે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેની ૨૨મી એપ્રિલે સુનાવણી હાથ ધરાઈ હતી. પબુભાને સુપ્રીમે પણ રાહત આપી નહોતી. ચૂંટણી પંચને સાથે રાખી વધુ સુનાવણી આગામી સપ્ટેમ્બરમાં થશે અને ત્યારે જે નિર્ણય આવે તેને આખરી માનવામાં આવશે. સુપ્રીમમાંથી સ્ટે ન મળતા પબુભા ધારાસભ્ય તરીકે કામ નહીં કરી શકે અને જ્યાં સુધી સુપ્રીમમાં આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી પૂર્વ ધારાસભ્ય ગણાશે.