દ્વારકાઃ સનાતન સેવા મંડળ દ્વારા સ્થાનીય લોકો માટે દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે ૧થી ૪ જાન્યુઆરી સુધી દ્વારકાના સનાતન સેવા મંડળમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ મેડિકલ કેમ્પમાં ૨૫ જેટલા લંડનના ગુજરાતી ડોક્ટર્સે સેવા આપી હતી. આંખના નિષ્ણાત દ્વારા દર્દીની આંખની તપાસ કરી દવાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.
ચશ્માની જરૂરિયાતવાળાને ચશ્મા તેમજ ઓપરેશનની જરૂરિયાત હોય તેને સારા ડોક્ટર પાસે ઓપરેશન પણ કરાવી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળકોના નિષ્ણાત, દંત ચિકિત્સક તથા એમ.ડી. ડોક્ટર્સની ટીમ પણ ગમે તે દર્દની તપાસ તથા દવા માટે ઉપલબ્ધ હતી. ગ્રામ્ય વિસ્તાર તેમજ દૂરથી આવતા દર્દીઓને ભોજનની સગવડતા સ્થાનિક ધારાસભ્ય પભુબા માણેક તરફથી કરવામાં આવી હતી. સ્થાનિક જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા સનાતન સેવા મંડળના સ્વામી કેશવાનંદજી દ્વારા અપીલ કરાઈ છે.