દ્વારકાઃ એક સમયે બેંકમાં ફિકસ્ડ ડિપોઝીટમાં મૂકવામાં આવતા નાણાં પાંચ વર્ષે બમણાં થતા હતા હવે વ્યાજદર ઘટતા પાંચ વર્ષે બમણાં થવા મુશ્કેલ છે, પરંતુ રાજકીય આગેવાનો પાસેનું ધન કુદકેને ભુસકે વધતું હોય છે જેના કારણે પાંચ વર્ષમાં સંપત્તિ બમણાં કરતાં પણ વધુ એકત્ર થઈ જતી હોવાનું જાણવા મળે છે. દ્વારકાની બેઠક ઉપર ભાજપમાંથી ઝુકાવનાર ઉમેદવાર પબુભા માણેકે વીસમીએ ઉમેદવારી ફોર્મ ભરતાંની સાથે પોતાની કૌટુંબિક કુલ સંપત્તિ રૂ. ૬૭ કરોડ હોવાનું જાહેર કર્યું હતું. અલબત્ત પાંચ વર્ષ અગાઉ તેઓએ રૂ. ૨૦ કરોડની જમીન સામે રૂ. ૩૧ કરોડની સંયુક્ત માલિકીની સંપત્તિ જાહેર કરી હતી. દેવભૂમિ દ્વારકામાં વિધાનસભાની બે બેઠકો પૈકી દ્વારકાની બેઠક ઉપર ૪ હજારથી વધુ કાર્યકર્તાઓની સાથે વાજતે ગાજતે અગાઉ છ વખત ધારાસભ્ય તરીકે વિજેતા થનારા પબુભાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દ્વારકાધીશ મંદિરે શિશ નમાવી કાર્યકરોના વિશાળ કાફલાને સાથે લઈ જઈ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.