જામનગરઃ શહેરમાં જમીન મકાનોના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા અને રોલ્સરોય્સ જેવી મોંઘીદાટ ગાડીઓનો કાફલો ધરાવતા બિલ્ડર મેરામણભાઈ પરમાર દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા ચકડોળે ચડી છે ત્યારે આ બનાવ અંગે પોલીસ દ્વારા મૌન સેવાયું છે. જી. જી. હોસ્પિટલના પોલીસ સ્ટાફ દ્વારા પણ બિલ્ડરનું કોઈ નિવેદન પણ લેવાયા પહેલાં જ બિલ્ડરને રજા આપી દેવાઈ હોવાની ચર્ચા છે. રજા આપી દેવાયા પછી બિલ્ડર પોતાના ફાર્મહાઉસમાં આરામ કરી રહ્યા હોવાનું અને હાલ તેઓની તબિયત સારી હોવાનું કહેવાય છે. જોકે તેમણે કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા કોઈ જાણકારી અપાઈ નથી. બિલ્ડરના પરિવારે પણ આ અંગે મૌન સેવ્યું હોવાથી આ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.