કુતિયાણાઃ ધારાસભ્ય કાંધલ જાડેજાને ૨૫ વર્ષ પહેલાના ટાડાના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચોથી જાન્યુઆરીએ બિનતહોમત છોડ્યા હતા. ૧૯૯૫માં ગરેજ નજીક કારમાંથી અન્ય કેટલાક પાસેથી ઘાતકી હથિયારો કબજે કરાયા હતા. ૨૫ વર્ષ પૂર્વે એક ગરેજ ગામ નજીકથી પસાર થતી કારમાં ૩ લોકો પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. આ કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાનું નામ પણ સંડોવાયું હતું તેથી કાંધલ જાડેજા સામે પણ ટાડાની કલમ લગાડાઈ હતી. આ ગુનાના કામમાં કાંધલભાઇ જાડેજાની વર્ષ ૧૯૯૯માં ધરપકડ કરીને તપાસ પૂર્ણ કરી પોલીસે તેઓ સામે ડેઝિગ્નેટેડ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કાંધલભાઇ જાડેજાનો કેસ હાલમાં ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતાં તેમણે બિનતહોમત મુકત કરવા અરજી કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટમાં કાંધલ જાડેજા વતી દલીલ કરાઈ હતી કે, ધારાસભ્યના કબજા - ભોગવટામાંથી કોઇ જ હથિયાર કે અન્ય કોઇ મુદામાલ મળ્યો નથી. કાંધલ જાડેજા સામે ગ્રાહ્ય ગણી શકાય તેવો કોઇ પુરાવો પોલીસ એકત્રિત કરી શકી નથી. આ પછી કાંધલ જાડેજાને ટાડા કેસમાં બિનતહોમત છોડાયા હતા.