અમદાવાદ, ધારી, ખાંભા ગીર પૂર્વ વન વિસ્તારમાં ૧૧ સિંહોનાં મોતનો હાહાકાર હજુ શમ્યો નથી ત્યાં જ ૨૪મીએ વધુ બે સિંહોનાં મૃત્યુ થતાં સિંહોનાં મૃત્યુનો આંક ૧૩ પર પહોંચ્યો છે. ૨૪મી સપ્ટેમ્બરે એક સિંહબાળ અને એક સિંહણનાં મોત થયાં છે. વનતંત્ર આ મૃત્યુને પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન થતાં સરેરાશ મૃત્યુ જેટલો જ આંકડો હોવાનું જણાવે છે, પરંતુ સરેરાશ મૃત્યુઆંક સિંહોની સમગ્ર વસ્તી પરથી અંકાય છે જ્યારે ચોક્કસ વિસ્તારમાં ૧૩ જેટલા સિંહનાં મોત આશ્ચર્યજનક મનાય છે. ૨૦ સિંહોની વસ્તીમાંથી જો ૧૩નાં મોત થયા તો તે ચિંતાજનક ગણાય તેવું વન્યપ્રેમીઓ જણાવી રહ્યાં છે.
આઠ ટીમ દ્વારા તપાસ
ગીર પૂર્વના દલખાણિયા રેન્જને પ્રાથમિકતા આપી ૮ હજાર હેકટરથી વધુ વિસ્તારમાં વનવિભાગની આઠ ટીમો દ્વારા તપાસ કરતાં ૩થી ૪ વર્ષની એક સિંહણ બીમાર અવસ્થામાં શોધી કઢાઇ હતી. જેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું છે.
એ પછી ૨૪મીએ જ પાંચથી ૬ માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં મળ્યું હતું. જેનું સારવારમાં મોત થયું હતું. બંનેના વિસેરા, ટીસ્યુ, ચકાસણી માટે લેબમાં મોકલાયા છે.
મુખ્ય વન સંરક્ષક સકસેના જણાવે છે કે ઇનફાઇટમાં થયેલી ઇજામાં ઇન્ફેકશનને કારણે આ મોત થયાં છે. જ્યારે આધારભૂત સૂત્રો હજુ મૃત્યુઆંક વધવાનું જણાવે છે.
પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન સરેરાશ ૩૨ સિંહોના મોત નોંધાય છે. આ વર્ષે આંકડો ૩૧ છે જે સરેરાશની નજીક હોવાનું તંત્ર જણાવે છે.
ગીરના જંગલમાં અગાઉ ૧૧ સિંહોનાં મોત થવા અંગે મુખ્ય વન સંરક્ષક જી. કે. સિંહાએ ગાંધીનગરમાં મીડિયા સામે સ્પષ્ટતા કરી હતી કે, દલખાણિયા અને જશાધાર એમ બે રેન્જમાં સિંહોના મોત થયાં છે. સિંહોના મોતનું કારણ ઇનફાઇટ છે. ૧૧ મૃત સિંહોમાંથી ૬ બાળ અને પાંચ પુખ્ત હતા. પાંચમાંથી ત્રણ સિંહણ અને બે સિંહ હતા. છ સિંહબાળમાંથી ત્રણના ઇનફાઇટમાં અને ત્રણના સારવારમાં મોત થયાં. બે સિંહનાં મોત ઇનફાઈટના કારણે થયેલા ઇન્ફેક્શન અને ત્રણનાં મોત ફેફસાં અને લીવરમાં થયેલા ઇન્ફેક્શનથી થયાં છે. આમ દલખાણિયા રેન્જમાં ૯ સિંહ અને જશાધારમાં બે સિંહનાં મોત થયાં છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, પાંચ પુખ્ત વયના સિંહમાંથી બે કેસમાં માઇક્રોચિપ મળી આવી છે જ્યારે ત્રણ કેસમાં મળી નથી. આ વિસ્તારમાં હાલ પાંચ સિંહોને રેસ્કયૂ કરીને સરસિયા વીડી વિસ્તારમાં રખાયા છે. આ પાંચ સિંહોમાંથી એક નર અને એક માદાના ગળામાં ચીપ મળી છે. આ વાત સાબિત કરે છે કે આ વિસ્તારમાં બહારના સિંહોની અવરજવર વધારે હતી. ઉલ્લેખનીય છે કે ક્ષેત્ર પર અધિકાર જમાવવા સિંહોમાં અંદરોઅંદર લડાઇ થતી
રહે છે.
કાયમી આરએફઓ નથી!
દલખાણિયા રેન્જમાં ૧૦૦થી વધારે સિંહોનો વસવાટ છે. આટલી મોટી સંખ્યામાં આ વિસ્તારમાં સાવજો હોવા છતાં કાયમી આરએફઓ નથી! છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં કાયમી આરએફઓની નિમણૂક ન થઈ હોવાથી આ વિસ્તાર રેઢે પાદર છે, જેથી સાવજો પર દેખરેખ પણ ઘટી ગઈ છે.