રાજકોટ: શહેરની ફૂડ અને આરોગ્યની ટીમે પહેલીએ કોઠારિયા રોડ પર નંદા હોલ પાસે આવેલા રાજુ જસાણી અને સુનિલ જસાણીના જલારામ ફ્રૂટ સેન્ટરમાં દરોડા પાડતા ત્યાં કુલ ૬૦૦૦ કિલો કેરી અને ૩૫૦ કિલો ચીકુનો જથ્થો કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલો મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો હતો. અગાઉ પોપટપરામાં વેપારી જીતુભાઈ રાજુભાઈ માવાણી દ્વારા ધુમાડિયું કરીને કેરી પકવવામાં આવતી હતી. તેના પર આરોગ્યની ટીમે દરોડા પાડ્યા હતા. શહેરની ફૂડ કોર્પો.ની ટીમે કહ્યું કે, રાજુ -સુનીલ મેટલની ડોલમાં બે લીટર પાણી નાંખીને તેમાં ૨૫૦ ગ્રામ કેલ્શિયમ કાર્બાઈડની પડીકી નાખી એ પાણી રૂમમાં છાંટી પછી રૂમ બંધ કરી દેતા હતા. હવાની અવરજવર ન થાય તે માટે બારી-બારણાને થર્મોકોલ સીટ વડે પેક કરી દેતા હતા. કાર્બાઈડને પાણીમાં નાખવાથી એસિટીલીન ગેસ ઉત્પન્ન થાય છે એરટાઈટ રૂમમાં ફેલાતા એ ગેસના કારણે ઉત્પન્ન થતી ગરમીને લીધે ૪૮ કલાકમાં કેરી પાકી જાય છે. દેશી ભાષામાં આ પ્રયોગને ‘ધુમાડિયુ’ કહેવામાં આવે છે. આવો પાક સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે અને આવા ફળોનાં વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરાય છે.