રાજકોટ: કોટડા સાંગાણીના સાંઢવાયા ગામના વતની અને ગોંડલમાં સ્થાયી થયેલા ખેડૂત રમેશભાઇ રૂપારેલિયાએ માત્ર ધો. સાત સુધી અભ્યાસ કર્યો છે, પણ તેઓ સજીવ ખેતી વિશે લોકોને માહિતગાર કરવા માગે છે અને તેથી ૧૨ ભાષામાં આ અંગે એપ લોન્ચ કરશે.
રમેશભાઈએ આમ તો અલગ અલગ અનેક ધંધા અને રોજગાર અજમાવી જોયા, પરંતુ સફળતા ન મળી. છેવટે ખેતીના વ્યવસાયમાં તેમણે ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને જમીનમાં ઓર્ગેનિક રીતે જ પાક લેવો અને ગૌમુત્રથી ખેતી કરવાનો નિર્ણય લીધો. અત્યારે ઓર્ગેનિક ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો વિશ્વના ૧૨૩ દેશોમાં વેચાણ કરવાનો તેમનો વિક્રમ છે. સજીવ ખેતી અને ગૌમુત્ર આધારિત ખેતીનો પ્રસાર કરવા માટે તેઓ ૧૨ ભાષામાં એપ બનાવી રહ્યા છે. જેના થકી તેઓ સજીવ ખેતી, ગૌમુત્ર આધારિત ખેતીમાં આવતી સમસ્યાઓ અને તેના નિરાકરણો વિશે ખેડૂતોને માહિતી, માર્ગદર્શન આપશે.
વૈજ્ઞાનિકો પણ મારી પાસે માહિતી લેવા આવે છે
રમેશભાઈ કહે છે કે, મેં ૧૪ વર્ષ પહેલાં ગોબર અને ગૌમુત્રથી ખેતી કરવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે તેમાં ધારી સફળતા મળવા લાગી. ૨૦૧૦માં ૨૫ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું જેમાં ૩.૫ મિલિયન ડુંગળીનું ઉત્પાદન થયું. ધીમે ધીમે મારી આ પદ્ધતિ ફાવી ગઈ. મારી પાસે તબીબો, વૈજ્ઞાનિકો પણ ગૌપાલન અને સજીવ ખેતીની માહિતી લેવા આવે છે. હું તેમને ભણાવું છું. સમજાવું છું.
૧૨ ભાષામાં એપ
રમેશભાઈ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મલયાલમ, કન્નડ, તેલગુ-બેંગલી, સંસ્કૃત, ઉરિયા, પંજાબી, મરાઠી, બંગાળીમાં એપ બનાવ્યા બાદ તેની મદદથી જૈવિક ખેતી, ગાય આધારિત ખેતીમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ આપવા માટે પ્રયત્નશીલ છે. તેઓ કહે છે કે આ માહિતી દ્વારા લોકોને રોજગારી પણ મળશે.