ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં છેલ્લા વીસેક દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાને કાયમી કરવાના મુદ્દે ભૂખ હડતાળ પર બેઠાં છે. હજી તેમનાં પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી. જેથી ૧૭મીએ સફાઈ કામદારોએ ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. કામદારોએ અગાઉ નગરપાલિકાને તાળાબંધી કરીને એક દિવસ શહેર બંધનું એલાન આપ્યું હતું. પોલીસ તંત્રની સમજાવટ છતાં કામદારોએ જિલ્લા કલેક્ટરને ઘટનાસ્થળે બોલાવીને તેઓને કાયમીના ઓર્ડર બાદ જ તેઓ ચક્કાજામ બંધ કરવાનું જણાવતાં કલાકો સુધી પોલીસ ખડેપગે રહી પછી અંતે પોલીસ આંદોલનકારીઓની ધરપકડ કરવા આગળ આવતાં વાત વણસી હતી. પોલીસ અને કામદારો વચ્ચે ઝપાઝપી થતાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. જેમાં ડીવાયએસપી સહિત પાંચ પોલીસ કર્મચારીઓ અને પાંચ હોમગાર્ડઝ જવાન ઘાયલ થયા હતા. પોલીસે ટોળાને વિખેરાવા માટે લાઠીચાર્જ કરીને ટીયર ગેસના આઠ સેલ છોડ્યા હતા. આ કેસમાં ૨૭ જણા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ થઈ હતી.