ધ્રોલ: ગુજરાતનું પાણીપત ગણાતા ધ્રોલના ભૂચરમોરીના મેદાનમાં શરણાગતના ધર્મને માટે અકબરની સેના સામે જંગે ચઢીને બલિદાનો આપનારા હજારો યોદ્વાઓની સ્મૃતિમાં દર શિતળા સાતમે યોજાતા શહીદ શ્રદ્વાંજલિ કાર્યક્રમમાં ચાલુ વર્ષે 5000 રાજપૂત યુવાનોએ તલવાર સાથે શૌર્યરાસ રજૂ કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
દિલ્હીના બાદશાહ અકબરની કેદમાંથી નાસી છુટેલો મુઝફ્ફરશાહ જામનગરના રાજવી જામસાહેબના શરણે આવ્યો હતો. રાજધર્મ અને આશરાધર્મના પાલન માટે અકબરની સેના સાથે થયેલા યુદ્વમાં રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતા. જેઓને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ રણસંગ્રામમાં જામનગરના કુંવર અજાજીએ તેમના પ્રાણની આહુતિ આપી હતી. કુંવર અજાજી શહીદ થતાં તેમના રાણી યુદ્વમેદાનમાં પહોંચ્યા અને કુંવરનું માથું ખોળામાં રાખીને સતી થયા એ દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવણ વદ - સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનારા મહાન યુદ્વનો એ દિવસે અંત આવ્યો. દર વર્ષે દિવસે રાજપૂત સમાજ દ્વારા ભૂચરમોરી મેદાનમાં મહાન શહીદોને ભવ્ય શ્રદ્વાંજલિ આપવામાં આવે છે. છેલ્લા ત્રણ દસકાથી ભૂચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. શીતળા સાતમ - 18 ઓગસ્ટના રોજ ભૂચરમોરી ખાતે 31મા ભૂચરમોરી શહીદ યુવાઓએ સમારોહમાં પાંચ હજાર રાજપૂત યુવાઓએ 11 મિનિટ સુધી તલવારબાજી કરીને આ વિક્રમ નોંધાવ્યો હતો. આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નિરીક્ષણ ટીમના પ્રતિનિધિ દ્વારા સર્ટિફિકેટટ એનાયત કરાયું હતું.
આ સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતાં ચંદન બની છે. બાળક જન્મ લે ત્યારથી માતા અને પારણાં ઝુલાવતી વખતે શૌર્યગાથાઓ સંભળાવે છે અને અભિમન્યુ જેવા વીર યોદ્વાઓએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે.
ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દેશ અને ધર્મ માટે રાજપૂતોએ હંમેશા પોતાના માથા આપ્યા છે. અને તલવાર સાથે એકઠા થયેલાં 5000 યુવાનોનો જુસ્સો જોઇને તેમણે કહ્યું હતું કે દેશ માટે બલિદાન આપવા માટે રાજપૂતો એક હાલકે તૈયાર છે. તેમણે રાજપૂતિ શક્તિને નમન કરીને યુવાનોની ભાવનાને બિરદાવી હતી.