નવી દિલ્હીઃ બાર વર્ષનો પાર્થ ગુજરાતના અમરેલી જિલ્લામાં રહે છે. તેને સબેક્યૂટ સ્કલેરોજિંગ પેનેન્સે ફલાઈટીસ નામની મગજની ગંભીર બીમારી છે. ચાર માસ અગાઉના આ બીમારીની પાર્થના પરિવારને જાણકારી મળી. પાર્થના પિતાએ જણાવ્યું કે મેં અમરેલી અને અમદાવાદના બધા જ સ્પેશિયાલિસ્ટ્સ પાસે પાર્થનો ઇલાજ કરાવ્યો, પણ કંઈ ચોક્કસ પરિણામ - નિદાન થઈ શક્યું નહીં. મારી બધી જ મૂડી પાર્થના ઇલાજ પાછલ ખર્ચાઈ ગઈ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે મદદ માગી.
અમારા આશ્ચર્ય વચ્ચે તેમની પાસેથી મળેલા જવાબમાં પાર્થનો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં તેનો મફત ઈલાજ કરવાની વાત હતી.
હવે એમ્સના સ્પેશિયાલિસ્ટ્સ પાર્થની સારવાર કરી રહ્યા છે. જોકે, તબીબોએ જણાવ્યું છે કે પાર્થની બચવાની આશા ખૂબ જ ઓછી છે. છતાં તેઓ બનતી કોશિશ કરી રહ્યાં છે. એમ્સના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટનાં ડો. શેફાલી ગુલાટીએ કહ્યું કે, આ ગંભીર બીમારી છે. આ બીમારીમાં બધા જ અંગો ધીરે ધીરે કામ કરતા બંધ થઈ જાય છે. છતાં અમે અમારી રીતે પૂરા પ્રયત્નશીલ છીએ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વડા પ્રધાનને ઉત્તર પ્રદેશના ઉનાવના એક ૧૧ વર્ષના બાળકે કાગળ લખીને જણાવ્યું હતું કે, તેને સ્કૂલે જવાના સમયે રેલના પાટા ઓળંગવાની તકલીફ પડે છે જેથી મોદીની સૂચના પ્રમાણે તે સ્થળે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ક્રોસિંગ બનાવાયું છે. આ પહેલાં આગ્રાની ૮ વર્ષની બાળકી તૈયબાએ મોદીને પત્ર લખીને પોતાની બીમારીની સારવાર માટે મદદ માગી હતી. જેની સારવાર મોદીએ દિલ્હીના પંત હોસ્પિટલમાં કરાવી હતી.