અમદાવાદઃ વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનારા ભાગેડુ લંપટ શિક્ષક ધવલ હરીશચંન્દ્ર ત્રિવેદી (ઉં ૫૨)ની દિલ્હી સીબીઆઈએ હિમાચલ પ્રદેશથી તાજેતરમાં ધરપકડ કરી છે. સીબીઆઈ છેલ્લા બે વર્ષથી ગુજરાત સહિત પાંચ રાજયોમાં તેની શોધ ચલાવી હતી. મુંબઈ સીબીઆઈએ ધવલની માહિતી આપનારને રૂ. પાંચ લાખનું ઈનામની જાહેરાત કરી હતી.
ધવલ ત્રિવેદી છેલ્લે ચોટીલાના વેપારી પરિવારની કિશોરીને ભગાડી ગયો હતો. કિશોરી ગર્ભવતી થતાં ધવલે તેને ગર્ભપાત માટે દબાણ કર્યું હતું. જોકે કિશોરીએ એબોર્શન કરાવવાની ના પાડતાં ધવલ ત્રિવેદીએ કિશોરીને તરછોડી દીધી હતી જેથી કિશોરી એકલી ચોટીલા આવી હતી. આ પછી સીબીઆઈની ટીમે ગર્ભવતી કિશોરીની પૂછપરછ કરીને ધવલ ત્રિવેદીની કેટલીક કડીઓ એકત્ર કરી હતી. સીબીઆઈની ટીમે હિમાચલ પ્રદેશમાં વોચ રાખીને ધવલ ત્રિવેદીને ઝડપી લીધો હતો. આ લંપટ શિક્ષકે અત્યાર સુધી નવ કિશોરીઓને પોતાનો શિકાર બનાવી છે.
‘૧૦ વુમન ઈન માય લાઈફ’
ધવલ ત્રિવેદીએ ૨૦૧૪માં સીઆઈડી ક્રાઈમમાં કહ્યું હતું કે, ૧૦ સ્ત્રીઓને ફસાવી તેના પર પુસ્તક લખીશ. આ પછી તેણે ચોટીલાની કિશોરીને ફસાવી હતી અને તેને લઈને નાસી ગયો હતો. તે તેનો નવમો શિકાર હતી. એ પછી ધવલ ૧૦મા શિકારની શોધમાં હતો. ધવલે સુરત, આણંદ અને રાજકોટમાં નવ વિદ્યાર્થિનીઓને ફસાવીને તેમની જિંદગી બરબાદ કરી છે. ધવલે ઉચ્ચ અભ્યાસ બાદ વર્ષ ૨૦૦૩માં મુંબઈની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન જીવનના છ માસમાં પત્નીનું અવસાન થયું હતું. મુંબઈથી વડોદરા આવેલા ધવલે એમ. એમ. યુનિર્વિસટીની એક પંજાબી યુવતીને ફસાવી હતી. આ પછી જુદી જુદી જગ્યાએ ધવલ સ્થાયી થઈને યુવતીઓને ફસાવતો હોવાનું બહાર આવ્યું છે.