રાજકોટઃ કાગવડમાં ખોડલધામ મંદિરના નિર્માણની શિલાન્યાસ વિધિ વર્ષ ર૦૧૧માં થઈ હતી. એ પછી ભક્તોની ૬ વર્ષની મહેનત બાદ ૧૭મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરી સુધી મંદિરમાં મા ખોડલની પ્રાણપ્રતિષ્ઠા વિધિનો મહોત્સવ યોજાયો હતો. મા ખોડિયારની મુખ્ય મૂર્તિ સહિત ર૧ દેવી દેવતાઓની મૂર્તિની પણ ખોડલધામમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આ મહોત્સવમાં માની પ્રાણપ્રતિષ્ઠા વિધિ, શિખર અનાવરણ, ધ્વજારોહણ અને બાદમાં પ્રથમ મંગળા આરતીના સાક્ષી બનેલા આશરે ૧૮ લાખથી વધુ ભાવિકો ભાવવિભોર થઈ બની ગયા હતા.
૧૭મી જાન્યુઆરીથી શરૂ થયેલા ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાના પંચામૃત સમાન પાંચ દિવસીય મહોત્સવમાં ૧૮મી જાન્યુઆરીએ ખોડલધામમાં ૨૧ કૂંડી યજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિથી પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે મુખ્ય ૨૧ યજમાનો પરિવાર સાથે હવનમાં બેઠા હતા અને યજમાન પરિવારને બે-બે બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. આ હવનમાં ચીજ વસ્તુઓની લેવડ-દેવડ માટે આશરે એક હજાર સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહી હતી.
મહોત્સવના અંતિમ દિવસે ર૧મી જાન્યુઆરીની સવારે મા ખોડિયાર સહિત ર૧ દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મંદિરમાં કરાઈ હતી. પ્રધાન શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, મંદિરમાં મૂર્તિ પધરાવાયા બાદ તેમાં ચૈતન્ય હોવું જરૂરી છે. તેથી મા ખોડલની મંદિરમાં પ્રતિષ્ઠા બાદ ચૈતન્યપાઠ થયા હતા. ભક્તિમય વાતાવરણમાં ૧૪ ફૂટ ઊંચાઈના ૬ ટન વજનના સૂવર્ણજડિત કળશનું અનાવરણ થયા બાદ સૂર્યનાં સોનેરી કિરણો તેના પર પડયાં અને મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થઈ. આ સમયે જ ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો રચનામાં ભક્તો લીન થયા હતા. સવારે ૬:૩પ વાગ્યે જ મંદિરનાં શિખરની ટોચે ખોડલધામની બાવન ગજની ત્રિશૂલનાં ચિહ્ન સાથેની લાલ ધજા પણ આકાશમાં લહેરાઈ હતી. સૂર્યોદય પહેલાં ર૧ પંડિતોએ ર,૧ર૧ દીવડાની મહાઆરતી મંદિરનાં કક્ષાસન પાસે કરી હતી.
સોમનાથ મંદિર જેવી મંગળા
ખોડલધામમાં પ્રથમ મંગળા આરતી સોમનાથ મંદિરમાં થાય છે તેવી રીતે જ કરાઈ હતી. જેના માટે નોબત અને શરણાઈના વાદકોને ખાસ સોમનાથથી તેડાવ્યા હતા. મંગળા આરતી સમયે મંચ પરથી ર૧ ગાયકો અને ર૮ સંગીતકારો દ્વારા ભજન અને શ્લોક ગવાયાં હતાં.
લાખો મોબાઇલની ટોર્ચથી આરતી
૨૧મીએ ખોડલધામ મંદિરમાં મા ખોડિયારની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ મંગળા આરતી સવારે ૬:૪પ વાગ્યે થઈ હતી. લાખો ભાવિકોએ મોબાઇલ ફોનની ટોર્ચલાઇટ ચાલુ કરીને મંદિર તરફ ધરીને માતાજીની આરતી ઉતારી હતી.
કુલ નવ વિક્રમ
૧૭મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરી દરમિયાન તથા અગાઉના વિક્રમ મળીને ખોડલધામના કુલ નવ વિક્રમો નોંધાયા છે. અગાઉ વર્ષ ર૦૧રમાં ખોડલધામમાં શિલાપૂજન વિધિમાં ર૪,૪૩પ દંપતીઓ બેઠા હતા. એક જ જ્ઞાતિના દંપતી દ્વારા એક જ સ્થળે દૈવી પૂજા - અર્ચના અને એકબીજા સાથે હાથ મિલાવવાનો રેકોર્ડ ગિનિસ બુકમાં ત્યારે નોંધાયો હતો.
પ લાખ લોકોનું રાષ્ટ્રગાન
મા ખોડલની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પછી મંદિર પરિસરમાં યોજાયેલા સમૂહ રાષ્ટ્રગાનમાં લેઉઆ પટેલ સમાજનાં ૫,૦૯,૨૬૧ લોકો જોડાયાં હતાં અને બાંગ્લાદેશમાં ર.પ૪ લાખ લોકો દ્વારા આ પ્રકારનો નામે કરાયેલો રેકોર્ડ તૂટી ગયો હતો. સવારે ૯: ૦ર મિનિટે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઈ પટેલે ગિનિસ બુકના યુકેથી આવેલા પ્રતિનિધિ રિશિ નાથ અને નાસિકના સ્વપ્નીલ ડાંગરેકરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો હતો અને સામૂહિક રાષ્ટ્રગાન શરૂ થયું હતું. રિશિ નાથ અને સ્વપ્નીલ ડાંગરેકરે જણાવ્યું હતું કે, આયોજકો દ્વારા ૩.૫૦ લાખ લોકો દ્વારા આ રેકોર્ડ નોંધાશે તેવો અંદાજ બંધાયો હતો, પરંતુ ગિનિસ બુક દ્વારા જ્યારે ગણતરી કરાઈ તો આ રેકોર્ડ માટેની જનસંખ્યા ૫,૦૯,૨૬૧ થઈ હતી. ગિનિસ બુકની નવી આવૃત્તિમાં આ રેકોર્ડ આંકડા સાથે નોંધાશે. સમૂહ રાષ્ટ્રગાનમાં ભાગ લેનારા લોકોની ગણતરી માટે વિક્રમ સર્જવાના સ્થળમાં આવવા માટેના તમામ પ્રવેશદ્વાર પર કુલ મળી ૧રપ સેન્સર લગાવવામાં આવ્યા હતા.
ખોડલધામમાં વિક્રમોની હારમાળા
• વર્ષ ર૦૧રમાં શિલાપૂજન વિધિમાં ર૪,૪૩પ દંપતીઓએ ભાગ લીધો હતો તેની નોંધ ગિનિસ બુકમાં થઈ હતી.
• વર્ષ ર૦૧પમાં એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના પર૧ યુગલના સમૂહલગ્નનો એશિયા અને ઈન્ડિયા બુકનો રેકોર્ડ.
• ૧૭મી જાન્યુઆરીએ રાજકોટથી કાગવડ સુધી ૨૧,૧૧૭ વાહનો સાથેની ૪૦ કિમીની શોભાયાત્રાને વિશ્વની સૌથી લાંબી વાહનરેલી તરીકે યુએસની ગોલ્ડન બુકમાં સ્થાન મળ્યું.
• ૨૦મી જાન્યુઆરીએ ૧૦૦૮ કુંડ હવનમાં એક જ જ્ઞાતિના ૬૦૪૮ યજમાનો બેઠા હતા તેની નોંધ એશિયા બુક અને ઈન્ડિયા બુકમાં થઈ.
• ૨૧મી જાન્યુઆરીએ ૫,૦૯,૨૬૧ લાખ લોકોના રાષ્ટ્રગાનનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ