રાજકોટઃ ઠેબચડા ગામની સીમમાંથી ૨૫મી ફેબ્રુઆરીએ સવારે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ આશરે ૨૦ યુવાનો ક્રિકેટ રમીને પરત જઇ રહ્યા હતા ત્યારે તેમને બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં નજર દોડાવી તો એક કૂતરું એક નવજાત બાળકીને મોંઢામાં પકડીને જઇ રહ્યું હતું.
યુવકોએ કૂતરાને પથરા મારીને બાળકીને છોડાવી લીધી હતી. એ પછી વિપુલ રૈયાણી નામના યુવકે તાત્કાલિક મેડિકલ સેવા ૧૦૮માં પોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી અને બાળકીને રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીને જન્મના બીજા દિવસે જ નિર્જન સ્થળે છોડી દેવાયાનું સ્પષ્ટ થયું હતું. બાળકીના પેટના ભાગે જે ઇજા દેખાતી હતી તે કોઇ ખાડામાં પડ્યા રહેવાથી થયાનું સ્પષ્ટ હતું, પરંતુ તબીબો પણ બાળકીને તપાસતાં ચોંકી ઊઠ્યા હતા.
બાળકીને બગલ અને પીઠના ભાગે જે ઇજાના નિશાનો હતા તે તીક્ષ્ણ હથિયારના હતાં. પીડિયાટ્રિક સર્જન જયદીપ ગણાત્રાએ જણાવ્યું કે, બાળકીને તીક્ષ્ણ હથિયારના ૧૫થી ૨૦ ઘા ઝીંકવામાં આવ્યા છે અને તેની સારવાર ચાલુ છે. બાળકીની સારવાર બાદ તેને સુરક્ષિત સ્થળે ખસેડાઈ છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.