નવનાત વણિક એસોસિએશન યુકેના સહયોગથી સૌરાષ્ટ્રમાં ‘લાઈફ’ સંસ્થા દ્વારા શાળાનું નિર્માણ

Wednesday 28th February 2018 06:19 EST
 
 

રાજકોટ: યુ.કે.સ્થિત નવનાત વણિક એસોસિએશનના આર્થિક સહયોગથી મોરબી જિલ્લાના જબલપુર ગામે નિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તાજેતરમાં દાતાશ્રી ઉપરાંત ભારત ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વેનની ઉપસ્થિતિમાં થયું હતું. પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા નિર્માણ પામેલી આ ૭૬મી શાળાની અર્પણવિધિ નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે.ના પ્રમુખ ધીરુભાઈ ગલાણીનાં હસ્તે કરાઈ હતી. નવતાન વણિક એસોસિએશનના સભ્યો દર વર્ષે લાખો રૂપિયાની દાનરાશિ જમા કરીને પોતાની માતૃભૂમિમાં અને જીવદયામાં વાપરીને લોકોને મદદરૂપ બને છે.
આ પ્રસંગે હિઝ એક્સેલન્સી જ્યોફ વેન ઉપરાંત મુખ્યમહેમાનપદે નવનાત વણિક એસોસિએશનના સેક્રેટરી અમિત લાઠિયા, એક્ઝિક્યુટિવ કમિટીના કેતનભાઈ અદાણી, જશવંતભાઈ દોશી, શકુંતલાબહેન શેઠ, દિલીપભાઈ મીઠાણી તથા યુ.કે.ના ઉદ્યોગપતિ નાનાલાલ સોલાણી, કોકિલાબહેન સોલાણી, નાનુભાઈ મહેતા, મીનાબહેન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિવિશેષ પદે જાણીતા હાસ્યકલાકાર સાંઈરામ દવે, નવનાત એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ ઉદાણી, તરુણાબહેન મીઠાણી, ચંદ્રકાંતભાઈ અને માલતીબહેન શાહ, રમેશભાઈ તથા ભારતીબહેન શાહ, ભોગીલાલભાઈ તથા ઈન્દુબહેન સંઘવી, ઈન્દિરાબહેન ગલાણી, કલ્પનાબહેન દોશી, તૃપ્તિબહેન પારેખ, દર્શનાબહેન ગાંધી, ચાંદનીબહેન શાહ (તમામ યુ.કે.) ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ધીરુભાઈ ગલાણીએ કહ્યું હતું કે પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા જે માનવ કલ્યાણલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે તે અદભૂત છે. શાળામાં સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાની જે શરૂઆત થઈ રહી છે તે પ્રશંસનીય છે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, જ્યોફ વેન ગામના લોકોનો તથા યજમાન સંસ્થાનો ઉત્સાહ અને પ્રેમ જોઈને ગદગદિત થઈ ગયા હતા. આ સેવાકાર્ય બદલ ખુશી વ્યક્ત કરી ‘લાઈફ’ના સંચાલકોને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં ‘લાઈફ’ના મેનેજિંગ ટ્રસ્ટી શશિકાંતભાઈ કોટિચાએ પ્રાથમિક શાળા રચનાત્મક નવનિર્માણ કાર્યક્રમની વિકાસયાત્રાની ઝાંખી કરાવી હતી.
સંસ્થાના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ કોટિચાએ આ પ્રસંગે પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચાર દાયકાની સફર વિશે રસપ્રદ માહિતી આપી હતી અને ભવિષ્યમાં પણ વધુ માનવ કલ્યાણકારી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ‘લાઈફ’ના ચીફ ઓફિસર ઋષિકેશ પંડ્યાએ દાતાઓનો પરિચય તથા સંદેશાઓનું વાંચન કર્યું હતું. આ પ્રસંગે ‘લાઈફ’ના મેનેજિંગ ટ્રસ્ટી શશિકાંત કોટિચાએ સંસ્થા વિશે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ ‘લાઈફ’ માનવકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓના સેવાયજ્ઞને રૂબરૂ નિહાળવા માટે એનઆરજી/ એનઆરઆઈને આમંત્રણ પાઠવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter