ગોંડલઃ ગોંડલના રાજવી પરિવારના નવલખા પેલેસમાં નવમી ડિસેમ્બરે રૂ. ૧૦ લાખની ચોરીનો કેસ પોલીસમાં નોંધાયો હતો. આ કેસમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાંખી ૨૪મી ડિસેમ્બરે તસ્કર ટોળકીને સકંજામાં લઇ લીધી છે. ગોંડલ રાજવી પરિવાર દ્વારા નવલખા પેલેસ મ્યુઝિયમ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેમાં તસ્કરોએ નવમી ડિસેમ્બરે રાત્રિના ૩થી ૪ દરમિયાન મહારાજા સર ભગવતસિંહજીના સ્ટેચ્યુ રૂમ અને ચાંદી રૂમના તાળાં તોડી રાજવી સમયમાં ભેટમાં મળેલી ચાંદીની અને પંચધાતુની વસ્તુઓ મળીને કુલ વજન ૨૯ કિલો એન્ટિક સાધનોની ચોરી કરી હતી. ચોરી થયેલા માલની અંદાજિત કિંમત રૂ. ૧૦ લાખ સોળ હજાર છે. પેલેસના કર્મચારી દર્શનભાઈ જીતેન્દ્રભાઈ પીઠવાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી.
ચોરીનો ભેદ ઉકેલતા રૂરલ ક્રાઇમ બ્રાન્ચે પગેરું શોધ્યું અને આ ચોરીમાં સામેલ ધ્રાંગધ્રાના ધોળીધારના અનિલ નટુભાઇ દેવીપૂજક તથા જીતુ જશુભાઇ દેવીપૂજકની બાતમી મેળવી એ પછી બાવળાના કાણોતરાના સંજય જગાભાઇ દેવીપૂજક તથા તેના બનેવી નરેન્દ્ર ગોરધન દેવીપૂજકની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જેમાં ચોરોએ ચોરી કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ ચારેય છુટક ખેતમજૂરી કરે છે અને નાણાંભીડ દૂર કરવા ચોરી કર્યાનું કબૂલ્યું છે. ચારેયે કહ્યું કે, ચોરી પહેલાં તેઓએ ગોંડલના પેલેસની રેકી પણ કરી હતી. પકડાયેલ ચારેય પહેલી જ વખત ચોરીના ગુનામાં પકડાયા છે અને ચોરાઉ ચાંદીનો સોદો કરવાની પેરવીમાં હતા તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા.