નવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબીમાં ધ્વજવંદન કર્યું

Wednesday 17th August 2016 09:44 EDT
 
 

મોરબીઃ ભારતના ૭૦મા સ્વાતંત્ર દિનની રાજયકક્ષાની ઉજવણી ૧૫મી ઓગસ્ટે મોરબીમાં કરાઈ હતી. નવનિયુક્ત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબીના પરશુરામ પોટરી મેદાનમાં ધ્વજવંદન કરતાંની સાથે જ ‘ભારતમાતા કી જય’ અને ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારાથી સમગ્ર મેદાન ગાજી ઉઠ્યું હતું. મેદાનમાં દેશભક્તોની જનમેદની વચ્ચે ધ્વજવંદન બાદ પોલીસ જવાનો દ્વારા પરેડ અને કરતબો પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
રૂપાણીએ ધ્વજવંદન બાદ કહ્યું હતું કે, સુરાજયના નિર્માણ માટે પારદર્શકતા નિણાર્યકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના સિદ્ધાંત ઉપર સરકાર કામ કરશે. તેમણે કહ્યું હતું કે ધર્મ, જાતિ, ભાષા અને પ્રાંતવાદથી પર રહીને સૌ સાથે મળીને દેશને નવી ઊંચાઈએ લઈ જઈશું.

વિકાસકાર્યોની ચર્ચા કરતાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ-મોરબી સિંગલ ટ્રેકને રૂ. ૨૦૦ કરોડથી વધુના ખર્ચે ફોરલેન કરાશે. કૃષિને લઇને જિલ્લામાં સબ સ્ટેશનો મૂકવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, ત્રાજપર, વજેપર અને માધાપરનો મોરબી વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાશે. રૂપાણીએ કહ્યું હતું કે, આ વિસ્તારના નાગરિકો-ગ્રામજનોની વ્યાપક રજૂઆતોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, આ ઓથોરિટીને માત્ર મોરબી-વાંકાનેર ઉપરાંત ત્રાજપર, માધાપર અને લીલીપર પૂરતી સીમિત રખાશે. રૂપાણીએ ટ્વિટર પર પણ દેશવાસીઓને સ્વાતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. વાંકાનેરમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે ધ્વજવંદન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter