રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર ઉપરી સહકર્મી તબીબે બળાત્કાર આચરવાની ઘટનાએ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં સ્ત્રીઓની સલામતીની સમીક્ષા કરવાની ફરજ પાડી છે. તો બીજી તરફ અમદાવાદમાંથી ઝડપાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા તબીબ અને પીડિતાની તપાસ કરાઈ છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તબીબ વારંવાર કહેતો કે, તું મને ગમે છે, મારી સાથે રિલેશનશિપ રાખ, પણ મારી સંમતિ ન મળતાં તેણે આ કૃત્ય કર્યું છે.
તબીબી પરીક્ષણ
આરોપી ડો. સચિનસિંઘ અને ભોગ બનનાર મહિલાના તબીબી પરીક્ષણ કરાવાયા હતા. જેમાં તબીબ સચિનસિંઘના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જ્યારે પીડિતાની પરીક્ષણના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસે સીસીટીવી ફુટેજ તપાસતાં જણાયું કે, પીડિતાએ દર્શાવેલા સમયે જ તબીબ વોર્ડના રૂમમાં જતો હતો. થોડા સમય બાદ તે રૂમમાંથી બહાર નીકળ્યો હતો.
મેલ - ફિમેલના અલગ રૂમ
સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબોને રાતની ડ્યૂટી સોંપવા અંગે મામલો ફરી એક વખત ચર્ચાની એરણે ચડ્યો છે. જોકે રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો. યોગેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે મહિલા તબીબોને પણ રાતની ડ્યૂટી આપવી જ પડે તેમ છે. આમ છતાં અમે આ વિશે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે ચર્ચા કરીને તેમની સલામતી અંગે યોગ્ય પગલાં લઈશું. સિવિલ હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મેલ અને ફિમેલના રૂમ અલગ રાખવાનો નિર્ણય કરાયો છે. મેડિકલ કોલેજના ડીન ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં કોઈપણ વોર્ડમાં તબીબને આરામ કરવા એક જ રૂમ હોય છે. તેમાં મેડિકલ સ્ટાફ આરામ કરતો હોય છે. હવે પછી બંને માટે અલગ રૂમની વ્યવસ્થા કરાશે.