ભુજઃ નારાણપરના અને નાઇરોબી સ્થિત કંપની ડનહીલ બિલ્ડર્સના ચેરમેન કુંવરજી અરજણ કેરાઇ અને નારાયણ પ્રેમજી વેકરિયાએ ૧૩મીએ મીડિયાને જણાવ્યું છે કે, તેઓ ૪થી જાન્યુઆરીએ અમદાવાદથી જેટ એરવેઝની ફ્લાઇટમાં આબુધાબી જવા રવાના થયા ત્યારે તેમને છેક નાઇરોબી સુધીના બોર્ડિંગ પાસ અપાયા હતા. જેટ અને ઇતીહાદ બંને કંપનીઓ અમુક રૂટમાં સાથે કામ કરતી હોવાથી આબુધાબી ઇતીહાદ એરવેઝમાં નાઇરોબી જવાનું હતું, પરંતુ ઈતીહાદની કનેક્ટિંગ ફ્લાઈટ કચ્છીઓને લીધા વગર રવાના થઈ હતી.
નારણભાઈએ લગાવેલા આક્ષેપ મુજબ આબુધાબીમાં ઇતીહાદે હોટલ પણ આપી નહોતી અને સવારના ૧૦થી રાત્રે ૧૦ સુધી નવા બોર્ડિંગ પાસ ન આપી રીતસર ટટળાવ્યા હતા. વેઈટિંગ રૂમમાં આખી રાત રહી સવારે પાંચ વાગ્યે કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે પણ યોગ્ય સાચા જવાબો અપાયા ન હતા. આખરે બીજા દિવસની એ સમયની ફ્લાઇટમાં ૨૪ કલાક પછી તેમને નાઈરોબી રવાના કરવા વ્યવસ્થા કરાઇ હતી.
નાઇરોબી પહોંચ્યા ત્યારે લગેજ માટે વધુ છ કલાકની પ્રતીક્ષા કરવી પડી હતી. મહત્ત્વની બેઠકમાં ભાગ લેવા નીકળેલા આ કચ્છીઓને વ્યવસાયમાં આર્થિક ફટકો પડયાનું પણ આક્રોશમાં ઉમેર્યું હતું. હોટલ ન આપ્યાનો મુદ્દો બંને એરવેઝ કંપનીઓ સામે ઉઠાવાયો હતો, તેવું ડનહીલના માલિક દેવશી અરજણ કેરાઇએ જણાવ્યું હતું.