રાજકોટઃ કોરોના મહામારીને કારણે ઉદ્યોગો ધંધા રોજગાર અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સરકારે ઔદ્યોગિક વિસ્તારના મોટાભાગના એકમોને શરૂ કરવાની છૂટ તો આપી છે, પરંતુ નાના મોટા કારખાનેદારો હજુ પણ મંજૂરીની રાહમાં બેઠા છે. તો કેટલાક કારખાનેદારો પાસે કામ નથી. આવી પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાતન ચલાવવાની સાથે બેંકની લોનના હપ્તા પણ નિયમિત રીતે ભરવાની જવાબદારી માથે છે. ત્યારે રાજકોટના કેટલાક કારખાનેદારોની સ્થિતિ એવી કફોડી બની છે. પોતે લાખોની મશીનરી અને મિલકતના માલિક હોવા છતાં પોતાના કારખાના કામના અભાવે બંધ કરીને અન્ય કોઇ મોટી ફેકટરીમાં મજૂરી કામ કરવા મજબૂર બન્યા છે. આ નાના માટો કારખાનેદારોનું પોતાના કારખાના બંધ કરીને અન્ય જગ્યાએ કામ કરવાનું માત્ર એક જ કારણ છે કે આવક બંધ ન થાય, પગાર સ્વરૂપે જે કોઇ રકમ મળે તેનાથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય અને લાખોની કિંમતની જે મશીનરી લીધી છે. તેના બેંક લોનના હપ્તા પણ ભરી શકાય.