રાજકોટઃ આજી નદી પર હાઇ લેવલ બ્રિજને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના હસ્તે ૧૫મી જૂને ખુલ્લો મૂકી દેવાયો છે. હાલના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ બ્રિજનું વર્ષ ૨૦૧૬માં ખાતમુહૂર્ત કર્યું હતું. ઓવરબ્રિજના નિર્માણને એક વર્ષથી વધુ સમય થયા છતાં તેનું લોકાર્પણ થયું નહોતું. આ કારણ જણાવી વિપક્ષ નેતાની આગેવાનીમાં સ્થાનિકોએ લોકોની સગવડ માટે બ્રિજને ખુલ્લો મૂકી દીધો હતો. કોંગ્રેસના આગેવાનોએ બ્રિજ ખુલ્લો મૂક્યા પછી વાહનચાલકોનાં મોં મીઠાં કરાવ્યાં હતાં. લોકોએ પણ કોર્પોરેટરને હાર પહેરાવી સન્માન કર્યું હતું.
જોકે મેયર બીનાબહેન આચાર્યએ પણ વિપક્ષ નેતા પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા વિપક્ષ નેતા અધીરા બન્યા છે. બ્રિજનું અધૂરું કામ છતાં વિપક્ષ નેતાએ લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તે ગંભીર બાબત કહેવાય. ખુદ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ પણ સ્વીકાર્યું કે તેમના કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું.