રાજકોટઃ પડધરીના હડમતિયા ગામે રહેતા નિવૃત્ત સૈનિક સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તેના કુટુંબી ભાઈઓએ ભાગમાં ટ્રેકટર લીધું હતું અને વારા મુજબ આ ટ્રેકટરથી ખેતી કરતા હતા. કુટુંબી ભાઈ સિદ્ધરાજસિંહે ૧૩મીએ ખેતરમાં ટ્રેકટર ચલાવ્યું એ પછી બપોરે ખેતરમાં ટ્રેકટર ચલાવવા બાબતે સહદેવસિંહ અને સિદ્ધરાજસિંહ વચ્ચે ઝઘડો થયો અને પરિજનો એકઠા થઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલા સહદેવસિંહને બધાએ ઉપરના માળે આવેલા એક રૂમમાં પૂરી દીધા પછી સહદેવસિંહે રૂમમાંથી પોતાની પરવાનાવાળી ગનમાંથી નીચે ઉભેલા પરિજનો ઉપર ફાયરિંગ કર્યું. જેમાં ભક્તિબા સિદ્ધરાજસિંહ જાડેજા અને કૌટુંબિક ભાઈ દિગ્વિજયસિંહને ઈજા થવાથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગેની જાણ થતા પડધરી પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સહદેવસિંહ જાડેજાને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, સહદેવસિંહે દારૂ પીધેલી હાલતમાં ફાયરિંગ કર્યં હતું. ઉપરાંત ભક્તિબાની ફરિયાદ પરથી સહદેવસિંહ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન સારવારમાં દિગ્વિજયસિંહનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.