પોરબંદરઃ પોરબંદરમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર નજીક મોબાઈલ શોપ ધરાવતા સુનીલ દાસાણીનાં પત્ની હેતલબહેનને ઇસ્તાંબુલમાં નોકરી અપાવવાના બહાને એક એજન્ટે પાંચેક મહિના પહેલાં વિદેશ મોકલ્યાં હતાં. હેતલબહેન ઈસ્તાંબુલ પહોંચ્યા પછી નોકરીના બદલે એજન્ટે હાથ ઉંચા કરી દીધા. હેતલબહેને ચારેક મહિના જેમ તેમ સમય પસાર કર્યા પછી અન્ય બે પોરબંદરના જ યુવાનો તેમની સાથે આ જ રીતે હેરાન થતા જણાયા હતા. ત્રણે જણા પોરબંદર પરત આવવા નીકળ્યા પરંતુ હેતલનો પાસપોર્ટ એજન્ટની મિલિભગતથી પહેલાં જ ગુમ કરી દેવાયો હતો. બન્ને યુવાનો પાસે પાસપોર્ટ હોવાથી તેઓને ભારત આવવા દેવાયા હતા. હેતલની ઇસ્તંબુલ એરપોર્ટ પર પૂછપરછ થઈ હતી. એ પછી પતિ સુનીલને હેતલના યોગ્ય સમાચાર ન મળતાં તેણે પોરબંદરના જિલ્લા વહીવટીતંત્રને જાણ કરીને પત્નીનો છૂટકારો કરાવવા માગ કરી હતી. આ ઉપરાંત વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધીને પત્નીને વતન લાવવા સુનીલભાઈએ કાર્યવાહી શરૂ કરી છે.