રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કોઠાસૂઝ ધરાવતા માણસોએ સરળ ઉપાય શોધી કાઢયા છે. રજવાડા વખતમાં ચાલતી વિનિમય પ્રથાથી ફરી ગાડું ગબડાવાઈ રહયું છે. આ પ્રથા હાલ અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં શરૂ થયાનું પ્રકાશમાં આવ્યું છે. આઝાદી પહેલાં રજવાડાના સમયના કરન્સી સિક્કા ચલણમાં હતા તે વખતે સાવરકુંડલા ભાવનગર રાજયમાં આવતું અને અમરેલી ગાયકવાડ રાજયમાં આવતું. બંને ગામો નજીક હોવા છતાં બંનેનું ચલણ જુદું જુદું હતું. જેથી સાવરકુંડલાના ખેડૂતો અમરેલીમાં શાકભાજી વેચવા જાય તો અહીંના જુદા ચલણના કારણે સામાવાળી વ્યકિતની સમજૂતીથી શાક સામે દૂધ-અનાજ, કઠોળ, ફળ લેવાતાં. સાવરકુંડલાના અભરામપરામાં ખેતરમાં ટ્રેકટર ચલાવવાનું કામ કરતા જનકભાઈ પડસાલા, કમલેશભાઈ નસીત દ્રારા ખેતરમાં ખેડ કરાવતા તેના બદલામાં ૧૦ લીટર કેરોસીન આપ્યું હતું. હરેશભાઈ ટેમ્પાવાળા રોજના ફેરાની સામે નાણાના બદલે એકાદ-બે મુસાફર પાસેથી દૂધ બંધાવી લીધું છે. કોઈ ઢોરનો ચારો આપી જાય છે.
આવા નાના નુખસા અપનાવીને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુની આપ-લે માટે વ્યવહાર અત્યારે સચવાતા વિનિમય પ્રથાની યાદ અપાવી રહયા છે. ગામડાના કોઠાસૂઝ ધરાવતા માનવીઓએ રજવાડાના સમયને ફરી તાજો કરી દીધો છે.