ગાંધીનગરઃ ચિફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ કરમબીર સિંહે તાજેતરમાં જામનગરની મુલાકાત લીધી હતી અને નૌકામથક ઈન્ડિયન નેવલ સર્વિસ વાલસુરામાં નૌકાદળની ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ અને ‘બિગ ડેટા લેબોરેટરી’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ લેબોરેટરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલિટિક્સનું કામ કરવાની છે. ભારતીય નૌકાદળે પણ એ ટેકનોલોજી અપનાવી લીધી છે. આ તકે એડમિરલ કરમબીરે કહ્યું હતું કે, આ લેબોરેટરી ભવિષ્યના સૈનિકો તૈયાર કરવામાં ઉપયોગી સાબિત થશે. કેમ કે, આ આધુનિક સમય સાથે તાલ મિલાવી શકે તેવી તાલીમની તાતી જરૂરિયાત છે. આ સાથે તેમણે અહીં તૈયાર થયેલા ૨ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્લાન્ટથી નૌકામથકનું કાર્બન ઉત્પાદન ઓછું થશે. નૌકાદળે સતત અસ્થિર રહેતી સમુદ્ર સપાટી પર કામગીરી કરવાની હોય છે તેથી તેમાં આવી ટેકનોલોજીની બહુ જરૂર છે જ તેવું પણ તેમણે જણાવ્યું હતું.
શું છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ?
કેટલાક કાર્યો મનુષ્યની જેમ મશીનો પણ કરે એ સ્થિતિને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કહેવાય છે. ભારતીય સૈન્યમાં તેનો પણ ઉપયોગ શરૂ થઈ ગયો છે. સ્વયંસંચાલિત હથિયારો, ઈરાનમાં અમેરિકાએ વાપર્યું એ ડ્રોન, એલઓસી પર ભારત દ્વારા વપરાતા વિવિધ સર્વેલન્સ તપાસના ઉપકરણો વગેરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જ ભાગ છે.
શું છે બિગ ડેટા?
ડિજિટલ યુગમાં કેટલીક સામગ્રી ઓનલાઈન સચવાઈ રહી છે. સરેરાશ વ્યક્તિ એકથી વધારે ડિજિટલ ડિવાઈસ જેમ કે સ્માર્ટ ફોન, લેપટોપ, કમ્પ્યુટર વગેરેનો ઉપયોગ કરે છે. સ્માર્ટ ઘડિયાળ કે સ્માર્ટ ટીવી એ બધું ડિજિટલી કનેક્ટ થયેલી ચીજોમાં જો કોઈ એક વસ્તુ કોમન હોય તો એ છે કે તેમના દ્વારા પેદા થતી માહિતી. એ માહિતીનો સંગ્રહ, મોબાઈલ, લેપટોપ એમ બધે જ
થાય છે અને યુઝર્સની માહિતી એકસરખી રીતે મળી રહે કેમ કે ક્યાંક સચવાયેલી હોય. આ બધી માહિતી એકઠી થાય તેને બિગ ડેટા કહે છે.