મોરબીઃ મોરબીના પંચાસર ગામે જમીનના ડખ્ખામાં સહદેવસિંહ તેજાભા ઝાલા નામના ગરાસીયા આધેડની ગોળી મારીને હત્યા કરવાના ગુનામાં ગામના સરપંચ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ – નિવૃત્ત ફોજદાર સહિત છ શખસોને લજાઈ પાસેથી પોલીસે ઝડપી લીધા હતા અને રિમાન્ડ પર લીધા હતા.
દરમિયાન પોલીસે વધુ રિમાન્ડ અર્થે અદાલતમાં રજૂ કરતાં ગામના સરપંચ રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા અને વિક્રમસિંહ નાથુભાને જેલ હવાલે કરવા હુકમ કર્યા હતો અને ભાજપ જિલ્લા ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, નિવૃત્ત ફોજદાર અરવિંદસિંહ નટુભા ઝાલા, સહદેવસિંહ લાલુભા અને હિતુભા લાલુભાને ૨૬મી માર્ચે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે ફાયરીંગમાં ઉપયોગ કરાયેલી ત્રણ મોટી બંદૂક અને ત્રણ નાની બંદૂક કબજે કરી હતી. ઉલ્લેખનીય છે કે સહદેવસિંહ તેજાભા ઝાલાના પત્ની અને સહદેવસિંહનો ભત્રીજો હાલમાં પણ સારવાર હેઠળ છે.