રાજકોટ: બોટાદના પાળિયાદ ગામના હિતેશ યાદવના નામથી ફેસબુક પર મુકાયેલી પોસ્ટે લોકોમાં ભારે આશ્ચર્ય જગાવ્યું છે. પોસ્ટમાં લખ્યું છે કે, આજના સમયમાં મધ્યમ વર્ગના પુરુષ કોઇને કોઇ રીતે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. લોકડાઉન બાદ કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. એવી જ વિચિત્ર પરિસ્થિતિ મારી છે. મારી આ માગણી જોઇને લોકો હાંસી કરશે કારણ કે મારી પહેલાં આવી માગણી કોઇએ નહીં કરી હોય. જો આવી માગણી કોઇ મહિલાએ કરી હોય તો એ મુદ્દો બધાના ધ્યાનમાં આવ્યો હોય અને મદદ માટે ઘોડાપૂર ઉમટ્યું હોય, પણ કોઇ પુરુષ આવી માગણી કરે તો હાંસીને પાત્ર બને છે.
એ પછી પોસ્ટમાં લખ્યું કે, મારા લગ્ન થયા હતા. અમે ખુશીથી લગ્નજીવન ગાળતા હતા, પરંતુ અચાનક કોઇ કારણ વિના તેઓ પોતાના મા-બાપના ઘરે જતાં રહ્યાં. અમે ઘણી વખત આવવા કહ્યું, પણ આવ્યા નહીં અને કારણ જણાવ્યું નહીં. એમ કરતાં ત્રણ વર્ષ થઇ ગયા. (અગાઉની પોસ્ટમાં પોતાને કેન્સર થયું અને સારવારમાં મોટો ખર્ચ થયો, લોકડાઉનમાં ધંધા બંધ થયો હોવાનું અને એ દરમિયાન પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હોવાનું લખ્યું હતું) આ તકલીફ વચ્ચે હવે ભરણપોષણના રૂ. ૯૬ હજાર એક સાથે ભરવાના છે. મરવું ને માગવુ એમાંથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો છે. કારણે કે મહાનુભાવો કહે છે કે, ગમે તેવી તકલીફ હોય તો પણ મરાય નહીં. સામનો કરાય. તો મેં સામનો કરવા આ પોસ્ટ મૂકી છે. લોકોએ આ પોસ્ટ નીચે ઘણા પ્રકારની કમેન્ટ કરી છે.