પત્રકાર કિશોર દવેની હત્યા

Wednesday 24th August 2016 08:30 EDT
 

જૂનાગઢના જયહિંદ-સાંજ સમાચારના બ્યૂરો ચીફ કિશોર દવેની ૨૨મી ઓગસ્ટે રાત્રે સાતથી આઠ વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યારા ઓફિસના દરવાજા બંધ કરીને નાસી છૂટ્યા હતા. કેશોદમાં રહેતા તેમના નાના ભાઈ પ્રકાશે કામ માટે ફોન કર્યો હતો. તેમનાં બંને ફોન પર નો રિપ્લાય આવતાં તેમણે જૂનાગઢમાં રહેતા ભાણેજ જિજ્ઞેશને શહેરના વણઝારીચોક, શ્રીજી કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં તપાસ કરવા માટે મોકલ્યો હતો. જિજ્ઞેશે આવીને ઓફિસનો દરવાજો ખોલીને જોતાં કિશોરભાઈ લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડ્યા હતા. જિજ્ઞેશે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. પોલીસે શબનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે.

• વડાલિયા કંપની પર દરોડાઃ આવેકવેરા વિભાગ દ્વારા ગુજરાતભરમાં ફેલાયેલા વેપારીજૂથ વડાલિયાના અંદાજે ૪૫ સ્થળ ઉપર ૧૦મી ઓગસ્ટે એકસાથે દરોડાની કાર્યવાહી થઈ હતી. અંદાજે ૨૫૦થી વધુ આયકર અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ સુરક્ષાકર્મીઓ આ કામગીરીમાં રોકાયા છે. આ દરોડાની કાર્યવાહીમાં અંતરાય ન આવે તે માટે આવકવેરા ખાતાએ હાલમાં તો આ દરોડા અંગે સંપૂર્ણ મૌન સેવી લીધું છે.

• ભાવનગરના વેપારી પાસેથી રૂ. ૨૫ લાખની ખંડણીની માગઃ અલંગમાં ઓઇલનો વેપાર કરતા નીતિનભાઈ નાથાભાઈ દેસાઈને ૭થી ૧૦ ઓગસ્ટ સુધીના સમયગાળામાં અલગ અલગ સમયે અજાણ્યા શખસો દ્વારા મોબાઇલ ફોનથી ખંડણીની માગવામાં આવી હતી. રૂ. ત્રણ લાખની માગણી શરૂ થઈ હતી. બાદમાં ખંડણીની રકમની માગણી રૂ. ૨૫ લાખ સુધી પહોંચી હતી. મોબાઈલ ફોનની ધમકીઓથી પરેશાન વેપારીએ અંતે પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને મોબાઈલ ફોનના નંબરને કેન્દ્રમાં રાખીને તપાસ શરૂ કરી છે.

• ગોંડલમાં વણઝારાની સન્માન રેલીમાં ફાયરિંગની ફરિયાદઃ ગોંડલમાં ૨૧મીએ વિવિધ સંસ્થાઓએ પૂર્વ પોલીસ અધિકારી ડી જી વણઝારાનો સન્માન સમારોહ યોજાયો હતો. કોલેજ ચોકથી પ્રસ્થાન થયેલી રેલી જેલચોકમાં પહોંચી હતી અને વણઝારાએ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર પહેરાવ્યા હતા. રેલીમાં જોડાયેલા કેટલાકે ઉત્સાહમાં આવીને હવામાં બેધડક રીતે ફાયરિંગ કરીને ડી જી વણઝારાને આવકાર્યા હતા. આ રેલીમાં હવામાં ફાયરિંગ કરવા બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાની પૂરેપૂરી તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter