ભાવનગરઃ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતીમાં લિખિત અને નારન બારૈયા દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક એરિસ્ટોક્રેટ્સનું વિમોચન ભાવનગરની શૈક્ષણિક સંસ્થા શક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયું હતું. આ કાર્યક્રમમાં નારન બારૈયાએ કહ્યું હતું કે, એરિસ્ટોક્રેટ્સનો અર્થ અમીર થાય છે, પરંતુ માત્ર પૈસાપાત્ર કે સંપત્તિવાન હોવું એ જ અમીરી નથી એરિસ્ટોક્રેસીને આત્માની અમીરી સાથે પણ સીધો અને પહેલો સંબંધ છે.
ભાવનગરમાં આનંદનગર વીમાના દવાખાન પાસે આવેલ શ્રી શક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ બ્રાન્ચ ખાતે યોજાયેલા આ વિમોચન કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલે લેખક-અનુવાદક નારન બારૈયાનો પરિચય આપતાં તેમના વાર્તા સંગ્રહ એક અંગત વાત, હાસ્ય નિબંધ સંગ્રહ શબ્દસંગત, કાવ્યસંગ્રહ સહિતના બહુઆયામી પુસ્તકોની લઘુ સમીક્ષા બાદ અંગ્રેજી પુસ્તક એરિસ્ટોક્રેટનો ટૂંકો પરિચય આપ્યો હતો.
નારન બારૈયાએ કહ્યું કે, દેવેન્દ્ર પટેલની સાદગીભરી નિરુપણ રીતિ હંમેશા વાચક માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પુસ્તક એરિસ્ટોક્રેટ્સની સાદગી જ વાચકને વિષયની ગહનતામાં ખેંચી જાય છે. સાત ભાગમાં વહેતું અંગ્રેજીમાં અવતરેલ એરિસ્ટોક્રેટ્સ પુસ્તક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ થયેલું છે અને તેમાં ગુજરાતના ટોચના અમીરો અંબાલાલ સારાભાઈ, અમદાવાદના પ્રથમ નગરશેઠ શાંતિદાસ ઝવેરી, શેઠ અમૃતલાલ હરગોવનદાસ, શેઠ રણછોડલાલ છોટાલાલ સહિત અનેક એરિસ્ટોક્રેટીક મહાનુભાવોની ગાથાઓ બને છે.
આ પુસ્તકમાં ગુજરાતના બે અખબારી માંધાતાઓ ગુજરાત સમાચાર (ગુજરાતમાંથી પ્રકાશિત થતા)ના વિજ્ઞાપનદાતા તરીકે એક સમયે અમદાવાદની સડકો પર સાયકલ લઈને ફરનાર અને તે પછી ગુજરાત સમાચારને એક દિવ્ય ઊંચાઈ સુધી પહોંચાડનાર શાંતિલાલ શાહ અને સંદેશ દૈનિકને એક સામાન્ય અખબારમાંથી વિરાટ અખબાર બનાવનાર ચીમનભાઈ પટેલની ગાથા વર્ણવવામાં આવી છે. ગુજરાતના બંને અગ્રીમ દૈનિકોમાં કામ કરી ચૂકેલ દેવેન્દ્રભાઈએ પોતાને જરા પણ વચ્ચે લાવ્યા વગર બંને ચરિત્રોને ઊંડાણપૂર્વક અને તટસ્થતાપૂર્વક ન્યાય આપ્યો છે એ પણ ગુજરાતના અખબારી ઈતિહાસની એક નોંધનીય ઘટના છે. વિમોચનના આ પ્રસંગે શ્રી શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલ તથા ટ્રસ્ટના દર્શનભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ રાજપુરા, મનુભાઈ દયાળા, મિહિરભાઈ કરમટિયા, હાર્દિકભાઈ કરમટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.