જૂનાગઢ: ‘હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડો મારો કહ્યામાં નથી’, ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે’ અને ‘પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે...’ જેવાં કર્ણપ્રિય લોકગીતો અને ભજનોથી શ્રોતાઓને ડોલાવનારાં લોકગાયિકા દિવાળીબહેન ભીલનું ૧૯મી મેના રોજ જૂનાગઢમાં અવસાન થયું હતું.
વર્ષ ૧૯૯૦માં પદ્મશ્રીથી સન્માનિત
દિવાળીબહેન ભીલને ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૦માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. ઉપરાંત તેમને સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયિકા જેવા અનેક એવોર્ડ, પુરસ્કારથી સન્માનિત કરાયા છે. નિરક્ષર દિવાળીબહેનના ૭૦૦થી વધુ ગીતો કંઠસ્થ થયેલાં છે.
મુખ્ય પ્રધાન આનંદીબહેને પાઠવ્યો શોક સંદેશ
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સુપ્રસિદ્ધ લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબહેન ભીલનાં દુ:ખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્તિ કરી હતી. તેમણે શોકાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતી લોકસંગીત અને સાહસ, શૌર્યગાથા, ભજનો અને લોકગીતોને પોતાના કંઠથી ઘરે ઘરે ગુંજતા કરનારા દિવાળીબહેનની વિદાયથી એક વરિષ્ઠ અને પરિપક્વ લોકગાયિકાની ખોટ ગુજરાતી સંગીત જગતને પડી છે.
બે દિવસ જ સાસરે રહ્યાં હતાં
દિવાળીબહેન ભીલનો જન્મ ૨ જૂન, ૧૯૪૩માં અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં દલખાણિયા ગામે થયો હતો. દિવાળીબહેનનાં પિતા પુંજાભાઇ રેલવેમાં નોકરી કરતા હતા જ્યારે માતા મોંઘીબહેન ગૃહિણી હતા. દિવાળીબહેન નવ વર્ષના હતા ત્યારે તેમનાં પિતાને જૂનાગઢ રેલવેમાં નોકરી મળતાં તેમનો પરિવાર જૂનાગઢ આવીને વસ્યો હતો. પુંજાભાઇએ જૂનાગઢ આવીને પુત્રી દિવાળીબહેનને રાજકોટ પરણાવ્યા હતા, પરંતુ પુંજાભાઇને વેવાઇ સાથે વાંધો પડતાં દિવાળીબહેનનાં લગ્ન તોડી નાંખ્યા હતાં. દિવાળીબહેન માત્ર બે દિવસ સાસરે રહ્યાં પછી પિયર પરત આવી ગયાં હતાં અને ભાઇ સાથે જૂનાગઢમાં રહેવા લાગ્યાં હતાં. ત્યાર પછી તેમણે લગ્ન ન કરવાનો નિર્ધાર કર્યો હતો.
દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી
દિવાળીબહેન નિરક્ષર હોવાથી ભાઇને આર્થિક રીતે મદદ કરી શકાય તે માટે નાની-મોટી નોકરી કરતા હતા. તેમજ ડોકટરને ત્યાં દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી હતી. અભણ હોવા છતાં દિવાળીબહેન દવાખાનાનું તમામ કામ કરી જાણતા હતા. આ ઉપરાંત તેમણે બાલમંદિરમાં પણ નોકરી કરી હતી. નર્સોને ત્યાં રસોઇ બનાવવા જેવી નોકરીઓ પણ કરી હતી. દિવાળીબહેનનો ઘેરો લહેકો તળપદી ગીતોને માધુર્ય બક્ષે તેવો હતો. આથી તેઓ નવરાત્રીનાં તહેવારમાં વણઝારી ચોકની ગરબીમાં ગરબા ગવડાવતાં. બાળપણથી લોકગીતો, ભજનો ગાવાનો તેમને શોખ હતો. તેમજ તેમનો કંઠ મધુર હતો. આથી વણઝારી ચોકની ગરબી લોકોમાં ખૂબ પ્રિય બની ગઇ હતી. નવરાત્રીનાં સમયે આકાશવાણીનાં ઉચ્ચ અધિકારીઓ અને ગાયક સ્વ. હેમુ ગઢવી નવરાત્રીનું રેકોર્ડિંગ કરવા જૂનાગઢ આવ્યા હતાં. ત્યારે સૌપ્રથમ વાર લોકોએ દિવાળીબહેનને સાંભળ્યા હતા.
પારંપરિક પહેરવેશમાં જ કાર્યક્રમો આપતાં
દિવાળીબહેનનો અવાજ સાંભળીને સ્વ. હેમુ ગઢવીએ આકાશવાણીમાં રેકોર્ડિંગ કરવાનું કહ્યું. આમ દિવાળીબેને ૧૫ વર્ષની ઉંમરે સૌપ્રથમ વાર રેકોર્ડિંગ કર્યું હતું. દિવાળીબહેનને સૌપ્રથમ સ્ટેજ પ્રોગ્રામ કાર્યક્રમમાંથી રૂ. પાંચ વળતરરૂપે મળ્યાં હતાં તે મેળવીને તે વખતે દિવાળીબહેન ખુશ થઈ ગયા હતા. ધીરે-ધીરે દિવાળીબહેને દિલ્હી, મુંબઇ, લંડન, ફ્રાન્સ, અમેરિકા, કરાચી જેવા દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો રજૂ કર્યા છે. સ્ટેજ કાર્યક્રમોમાં તેમણે પ્રાણલાલ વ્યાસ સાથે સૌથી વધુ ગીતો ગાયાં. દિવાળીબહેનની મૂળ અટક લાઠિયા હતી, પરંતુ એમને સહુ ભીલ તરીકે જ ઓળખતા. તેઓ કાર્યક્રમ આપે ત્યારે સાડલો માથે ઓઢ્યા વગર ક્યારેય ઉઘાડા માથે બેસીને કાર્યક્રમ આપતાં નહીં. કોઈ પણ કાર્યક્રમમાં તેમનો પહેરવેશ હંમેશાં પારંપરિક રહેતો.