રાજકોટઃ ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં ૧૬ વર્ષ બાદ ગુજરાત એટીએસએ દિલ્હીથી ૫૦મો આરોપી શૈલેન્દ્રસિંહ ઝડપી લીધો છે. શૈલેન્દ્રસિંહ અત્તરસિંહ જાટ કુખ્યાત આમિર રઝા ગેંગનો સાગરીત હતો. જૈશ-એ-મહોમદ માટે ભંડોળ એકઠું કરતી આ ગેંગે વર્ષ ૨૦૦૦માં રાજકોટના બે સોની ભાસ્કર અને પરેશનું અપહરણ કરીને રૂ. ૨૦ કરોડની ખંડણી માગી હતી. લંડન રહેતા જૈશ-એ-મોહમંદ આતંકવાદી ગ્રૂપના સિનિયર કમાન્ડન્ટ શેખ મહંમદ ઓમરે ભારતમાં ત્રાસવાદ ફેલાવવા અને આતંકવાદી સંગઠન રચવા આફતાબ અહેમદ અંસારીને જવાબદારી સોંપી હતી. જોકે આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા
માટે ભંડોળ એકઠું કરવાની જવાબદારી આસિફ રઝા ખાનને સોંપાઈ હતી.
• પંચઅગ્નિ અખાડાના પ્રથમ મહિલા મંડલેશ્વર કનકેશ્વરી દેવીઃ મૂળ મોરબી પંથકના અને મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવા સેવાના ભેખધારી અને સંત કેશવાનંદ બાપુ (શાંતિવન આશ્રમ)ના શિષ્યા કનકેશ્વરીદેવી ઉજ્જૈનના સિંહસ્થ કુંભમાં પંચઅગ્નિ અખાડાના પ્રથમ મહિલા મંડલેશ્વર બન્યા છે. ગુજરાતભરના સંતો, મહંતો અને સાધુ સમાજમાં આ કાર્યને આવકાર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હવે મંડલેશ્વરની ઉપાધિ પામી ચૂકેલા કનકેશ્વરીદેવીએ મોરબી સહિત દેશ અને દુનિયામાં ૪૫૦થી વધુ વખત રામકથા કરીને ભક્તોમાં આધ્યાત્મની જ્યોત જલાવી છે.
• જેઠવા કેસમાં પૂર્વસાંસદ દિનુ બોઘા સહિત સાત સામે ચાર્જફ્રેમઃ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા માટે પૂર્વસાંસદ દિનુ બોઘા સોલંકીના ભત્રીજા શિવા સોલંકી તથા સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરે શાર્પ શૂટર શૈલેષ પંડ્યાને સોપારી આપી હતી અને ક્રાઇમ બ્રાન્ચે શિવા અને બહાદુરસિંહની ધરપકડ કરી હતી. તે પછી સીબીઆઈ કોર્ટે દિનુ સોલંકી સહિત સાત આરોપી સામે ૧૯મી મેએ ચાર્જફ્રેમ કરી હતી. જોકે, આરોપીઓએ ગુનો ન કબૂલીને કેસ લડવા માગતા હોવાનું જણાવી મુદત માગી હતી. આથી કોર્ટે કેસની સુનાવણી ૩૧ મે પર મુલતવી રાખી હતી.
• બસને ટ્રકે પાછળથી ટક્કર મારતાં ૭નાં મોતઃ જેતપુર તાલુકાનાં વાડસડા ગામેથી હરિદ્વારની યાત્રાની બસ ઉપડી હતી. યાત્રા પૂર્ણ કરી બસ જૂનાગઢનાં દામોદર કુંડ આવી રહી હતી. તે દરમિયાન ૧૯મી મેએ વડાલ નજીક ડીઝલ ખાલી થઈ જતાં બસ રોડની બાજુમાં ઊભી હતી તે સમયે પાછળથી આવેલા ટ્રકે બસને ટક્કર મારતાં બસમાંથી નીચે ઉતરેલાં એક મહિલા સહિત સાત વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. જ્યારે બસમાં બેઠેલા ૨૦ જેટલા યાત્રાળુઓને ઈજા થતાં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
• પોરબંદરમાં બ્રાઝીલના ચલણ અને જાલી નોટ સાથે બે પકડાયાંઃ બંધ પડેલી જગદીશ મિલના વિલા નજીકથી બ્રાઝીલના ચલણ ક્રુઝાડોઝ અને ભારતીય જાલી નોટ સાથે છાંયા રણ વિસ્તારના સિગ્મા સ્કૂલ પાછળ શિક્ષક કોલોનીમાં રહેતા અકીલ અનુભાઈ વાઢા અને ઠક્કર પ્લોટમાં શાહ મુરાદના તકિયા પાસે રહેતાં મહંમદ ઈકબાલ ઉર્ફે બાપુ મહંમદહુસૈન પીરઝાદાને પોલીસે ૨૩મી મેએ ઝડપી લઈને કુલ મળીને રૂ. દસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
• પૂર્વ પોર્ટ ઓફિસર પાસેથી સવા કરોડની બેહિસાબી સંપત્તિ મળીઃ ઓખા બંદરે પોર્ટ ઓફિસર તરીકે નોકરી કરતા અને વર્ષ ૨૦૧૪માં નિવૃત્ત થયેલા ગોવિંદગયા મુનીનાથ પાંડે અપ્રમાણસર મિલકતો ધરાવતા હોવાની એસીબીમાં ફરિયાદોના આધારે ૧૯મી મેએ પૂર્વ પોર્ટ ઓફિસરના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં સવા કરોડની અપ્રમાણસર સંપત્તિ જપ્ત કરાઈ હતી. આ પોર્ટ ઓફિસરના અમદાવાદ, મહુવા અને વસઈમાં ચાર ફ્લેટ હોવાનું પણ ખૂલ્યું છે.