અમદાવાદ: પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં પહેલી વખત પૂજારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરાયો છે. હવે પૂજારીઓ શિવપૂજા સમયે સુતરાઉ કાપડમાંથી તૈયાર કરાયેલા ભગવા, બ્લૂ અને લાલ રંગનો પહેરવેશ પહેરશે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, મુખ્ય પ્રધાન જેવા મહાનુભાવોની મુલાકાત દરમિયાન પૂજારીઓ અલગ-અલગ ડ્રેસમાં રહેતા હોવાથી વિશેષ અસર ઊભી થતી નહોતી. જેના કારણે મંદિરના તમામ પુરોહિતો માટે આ ડ્રેસકોડ નક્કી કરાયો છે. આ ડ્રેસ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (એનઆઈએફટી) ગાંધીનગર દ્વારા ૧૫ મહિનામાં તૈયાર કરાયો છે. અત્યાર સુધી સોમનાથ મંદિરના પૂજારીઓ પૂજાવિધિ માટે ધોતી, સદરો અને ઉપવસ્ત્ર (ખેસ) પહેરતા હતા. પૂજારીઓ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કાપડમાંથી જ વસ્ત્રો તૈયાર કરતા હતા. સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સુવર્ણ જડિત છે. પ્રસંગો અને ઉત્સવો દરમિયાન અનેક વખત મંદિરનું લાઇવ પ્રસારણ અને ફોટોગ્રાફ્સ લેવાતા હતા. તેથી ભક્તો તરફથી પણ સૂચનો હતા કે પૂજારીઓનો પ્રભાવશાળી ગણવેશ હોવો જોઇએ.
નરેન્દ્ર મોદીએ પણ સૂચન કર્યું
આ પહેલા નરેન્દ્ર મોદીએ મંદિરના ટ્રસ્ટીઓને સૂચન કર્યું હતું કે જગદીશ વાસુદેવન સંચાલિત આદિ યોગી મંદિરમાં આરતી દરમિયાન ચોક્કસ ગણવેશ હોય છે. ટ્રસ્ટે તેનું રિસર્ચ કરવું જોઈએ. સોમનાથ મંદિરના પૂજારીઓ માટે પણ વિશેષ પ્રસંગે અને પૂજા દરમિયાન ખાસ ગણવેશ તૈયાર થવો જોઈએ. ત્યાર બાદ ટ્રસ્ટીઓ દ્વારા પૂજારીઓ માટે ખાસ ગણવેશ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.
પૂજારીઓને નવી ઓળખ
સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ કે લહેરીએ જણાવ્યું કે, ગર્ભગૃહની ભવ્યતા વધુ સારી રીતે લોકો સુધી પહોંચે તે માટે હેતુ હતો. વર્ષો બાદ પૂજારીઓને નવી ઓળખ મળી છે. ભગવાનને જ્યારે શણગાર કરાય છે ત્યારે હવે પૂજારીઓના નવા ડિઝાઇન કરેલા કપડાં આ ભવ્યતામાં ઉમેરો કરશે. તમામ લોકોના સહયોગથી આ સમગ્ર પ્રક્રિયા કરાઈ છે.
મંદિરની વિઝિટ પછી ડિઝાઇન બની
અમારી ફેકલ્ટીની ટીમે મંદિરની વિઝિટ કરીને જાણ્યું હતું કે ત્યાંનું વાતાવરણ કેવું છે? નિફ્ટના ડિરેક્ટર અરવિંદ દાસે કહ્યું કે, પૂજારીઓની પૂજા દરમિયાન બોડી મૂવમેન્ટ કેવી છે? આ પરિસ્થિતિમાં કેવા પ્રકારના ફેબ્રિક અને કવર વાપરી શકાય તેની ચર્ચા મંદિરના ટ્રસ્ટીઓ સાથે કરાઈ હતી અને ડ્રેસ તૈયાર કરાયો છે.
ઉત્સવ કે અન્ય પ્રસંગે રેશમી વસ્ત્રો
સોમનાથ મંદિર દરિયાકિનારે હોવાથી ગરમ ભેજવાળું હવામાન જોવા મળે છે. જેથી સુતરાઉ કાપડની પસંદગી કરાઇ છે. જ્યારે કે અન્ય સિઝન અને પ્રસંગો દરમિયાન રેશમી વસ્ત્રો તૈયાર કરાયા છે. શિવપૂજા દરમિયાન પૂજારીઓએ ભગવા, બ્લૂ, લાલ વગેરે ઘાટા કલરને પસંદ કરાયા છે. ઉપરાંત નિફ્ટે ડિઝાઇન દરમિયાન પૂજારીઓની બોડી મૂવમેન્ટ અને મંદિરના કલરને પણ ધ્યાનમાં રાખ્યો છે.