જૂનાગઢઃ જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. આ વર્ષે મંડળના સભ્યોએ અપનાઘરમાં રહેતા વડીલોનું મોંઢું મીઠું કરાવીને ગીતાજી અર્પણ કર્યાં હતાં. બાદમાં મમરાનાં લાડુ આરોગવા સહિતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૫૦ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં ૭૦ વર્ષના એન. ડી. માલવિયા પાંચ મિનિટમાં ૧૩ લાડુ ખાઈને પ્રથમ હતા. ૬૫ વર્ષના જયંતીભાઈ કાછડિયા ૧૨ લાડુ ખાઈને દ્વિતીય તથા રમેશભાઈ મહેતા ૧૧ લાડુ ખાઈને તૃતીય સ્થાને હતા. મહિલાઓમાં ૭૦ વર્ષના રમાબહેન જોશી પણ ૧૩ લાડુ આરોગીને પ્રથમ રહ્યાં. ૬૬ વર્ષના લીલાબહેન રાવલે ૧૧.૫ લાડુ આરોગીને દ્વિતીય ક્રમ મેળવ્યો તથા ૬૩ વર્ષના પુષ્પાબહેન પંડ્યા ૧૦ લાડુ ખાઈને તૃતીય સ્થાને હતાં. સંગીત ખુરશીમાં મંજુલાબહેન ઝાલાવાડિયાએ તથા લીંબુ ચમચીમાં સાધનાબહેન વોરા તથા સી. કે. સોલંકીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાઈઓમાં રમેશભાઈ મહેતાની ટીમ તથા મહિલાઓ રમાબહેન જોશીની ટીમે જીત મેળવી હતી. આ પ્રસંગે મંડળના પ્રમુખ જે. બી. માંકડ, આઈ. યુ. સીડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.