પોરબંદરઃ ભારત - પાકિસ્તાન વચ્ચે હાલમાં તંગદિલીના માહોલમાં જખૌ દરિયામાં માછીમારી કરી રહેલી પોરબંદરની ૬ બોટ અને ૩૦ માછીમારોનાં સોમવારે પાકિસ્તાન મરિને અપહરણ કરી લીધાં હતાં. આ અપહરણ સહિત પાકિસ્તાનના કબજામાં રહેલી ભારતીય ફિશિંગ બોટોની સંખ્યા ૧૦૭૦ અને પાકિસ્તાની જેલોમાં બંધ ભારતીય માછીમારોની સંખ્યા ૧૮૦ થઈ ગઈ છે.
પાકિસ્તાને મુક્ત કરેલા ૫૫ માછીમારો વેરાવળ પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની જેલમાં કેદ ૩૫૫ ભારતીય માછીમાર પૈકીના ૫૫ માછીમારો અને પાંચ સિવિલિયન્સ પાકિસ્તાને તાજતેરમાં મુક્ત કર્યાં હતાં. તેમાંથી બીજીએ જ ૫૫ માછીમારો તો હજી વતન વેરાવળ પહોંચ્યા હતા. ૫ સિવિલયન્સ ગુજરાત બહારના હોવાના કારણે બોર્ડરથી તેઓને અલગ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા દોઢેક વર્ષથી કેદ માછીમારો મુક્ત થતા તેમના પરિવારજનો બીજીએ વહેલી સવારથી જ વેરાવળ આવી પહોંચ્યા હતા. માછીમારો વેરાવળ ફિશિરીઝ કચેરી પહોંચતા પરિજનો ખુશ હતા એવામાં ૩૦ માછીમારોનું ફરી અપહરણ થઈ ગયું છે.