પોરબંદર: અરબી સમુદ્રમાં પાક. મરીન લુખ્ખાગીરી, દાદાગીરી અને ચાંચીયાગીરી કરીને એક જ સપ્તાહમાં પોરબંદરની ૧૩ બોટ અને ૭૫ માછીમારોને બંદૂકના નાળચે લઇ જતાં માછીમાર સમાજમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે.
આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીક પોરબંદર સહિત સૌરાષ્ટ્રની કેટલીક ફિશીંગ બોટો ગ્રુપમાં માછીમારી કરી રહી હતી ત્યારે અચાનક જ પાકિસ્તાનની દરિયાઇ જળસીમા તરફથી પાક. મરીનની મોટી સ્ટીમર આવી પહોંચી હતી અને બોટોને શરણે આવવા ફરજ પાડી હતી. બંદૂક બતાવીને તમામ ખલાસીઓને ચૂપ કરી દેવાયા હતા. પોરબંદર માછીમાર બોટ એસો.ના પૂર્વ પ્રમુખ અને માછીમાર અગ્રણી મનિષભાઇ લોઢારીએ જણાવ્યું હતું કે પાક. મરીને પોરબંદરની જે ફિશીંગ બોટ અને માછીમારોના અપહરણ કર્યા છે તેમને કરાંચી બંદર તરફ લઇ જવાયા છે.
પાકિસ્તાન દ્વારા અપહરણનો સીલસીલો યથાવત રાખવામાં આવ્યો છે અને આઇએમબીએલ નજીકથી કુલ સાત બોટ અને ૪૦ માછીમારોને બંદીવાન બનાવીને મશીનગનના નાળચે ઉઠાવી જવાયા છે.