પાકિસ્તાન જેલમાંથી મુક્ત માછીમારો પરિજનને મળતાં ભાવુક બન્યાં

Wednesday 17th January 2018 06:12 EST
 
 

વેરાવળઃ પાકિસ્તાન જેલમાં યાતના ભોગવી તાજેતરમાં મુક્ત થયેલા પૈકીના બીજા રાઉન્ડના ૭૩ ભારતીય માછીમારો ૧૩મી જાન્યુઆરીએ વેરાવળ અને ત્યાંથી વતન – ગામ આવી પહોંચી પરિવારજનો સાથે મળતાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
આ માછીમારોને છોડાવા ભારત સરકારે અરજી કર્યા પછી પાક. સરકારે બે તબક્કામાં સમયાંતરે કુલ ૨૭૧ માછીમારો મુક્ત કર્યાં છે. તાજેતરમાં મુકત કરાયેલા ૧૪૭ પૈકી ૭૪ માછીમારો ૧૧મીએ અને બીજા ૭૩ ૧૩મીએ વેરાવળ આવી પહોંચ્યા હતા. સુરક્ષા વિભાગ ચેકિંગની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી માછીમારો પરિજનોને મળ્યાં હતાં. લાંબા સમયે મુક્ત થયેલ માછીમારોનું તેમના પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. ત્યારે જીએફસીસીએના ચેરમેન વેલજીભાઇ મસાણી અને બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે માછીમારોને ઘાબળા વિતરણ કર્યાં હતાં. પાકિસ્તાન જેલમાં હજુ પણ ૨૪૨ ભારતીય માછીમારો યાતના ભોગવી રહ્યા છે. જેઓને વહેલી તકે મુકત કરાવવા માછીમારોએ સરકાર સમક્ષ માંગણી કરી હતી.
પાકીસ્તાન જેલમાં બીજી વખત યાતના વેઠી મુકત થઇ પરત આવેલા માછીમાર ઘીરૂ બાંભણીયાએ મીડિયા સમક્ષ વેદના ઠાલવતાં કહ્યું કે, ભારતીય દરિયામાં મચ્છી નથી એટલે અમારે સરહદ સુધી જવું પડે છે. બોર્ડર પાસે પહોંચીએ તો પણ માછીમારોનાં અપહરણ કરાય છે તો ક્યારેક ક્યારે બોર્ડર પાસ થઈ જાય છે એનો પણ માછીમારોને ખ્યાલ રહેતો નથી તેથી તે પકડાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter