પોરબંદરઃ પાક. મરીન સિક્યુરીટી એજન્સીએ માર્ચના છેલ્લા સપ્તાહમાં ગુજરાતની ૧૪ બોટ અને ૭૬ માછીમારોના અપહરણ કરી લીધાં છે. ભારતીય માછીમારોને કરાચી લઈ જવાયા છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ જણાવ્યું કે, આઇએમબીએલ નજીક ૨૭મી માર્ચે ગ્રુપમાં માછીમારી કરી રહેલી પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ફિશિંગ બોટો ઉપર પાક. મરીન સિક્યુરીટી એજન્સી ત્રણ દિવસ ત્રાટકી હતી અને પોરબંદરની ૧૨ ફિશિંગ બોટ ૧ ઓખાની અને એક માંગરોળની મળી કુલ ૧૪ ફિશિંગ બોટો અને તેમાં ૭૬ માછીમારોને કરાચી લઈ જવાયા છે જેમાં પહેલા ચાર બોટ અને ૨૪ માછીમારોને અને ત્યાર બાદ ૧૦ બોટ અને ૫૨ માછીમારોને કરાંચીની જેલમાં લઈ જવામાં આવ્યા છે.
મનીષભાઈ લોઢારીએ આપેલી માહિતી પ્રમાણે આ ૧૪ બોટોના અપહરણ બાદ હવે પાક.ના કબજામાં ગુજરાતની ૧૦૪૮ ફિશિંગ બોટો થવા જાય છે. તેની કિંમત રૂ. પાંચ અબજ ૨૪ કરોડ જેટલી અંદાજે થાય છે તો આ ૭૬ ખલાસીઓને પાક.ની જેલમાં પૂરી દીધા હોવાથી માછીમારોની સંખ્યા પણ ૫૦૦ જેટલી થઈ ગઈ છે. ભારત સરકારે હવે ગંભીરતાથી બોટોને ખલાસીઓ સાથે મુક્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી પણ લાગણી વ્યક્ત કરી છે.