પોરબંદર: જખૌ નજીક આવેલી અને ભારતીય તથા પાકિસ્તાનની સરહદ નજીકની આઈ.એમ.બી.એલ. તરીકે ઓળખાતી જળસીમાના વિવાદ ચાલી જ રહ્યો છે. આ વિસ્તાર માટે ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદ એવો છે કે ભારત જણાવે છે કે આ હિસ્સો તેનો વિસ્તાર છે ને પાકિસ્તાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર તેમનો છે. આ વિવાદનો લાભ લઈને પાકિસ્તાન મરીન દ્વારા બીજી ફેબ્રુઆરીએ માછીમારી માટે દરિયામાં ગયેલી પાંચ ભારતીય ફિશીંગ બોટમાં સવાર કુલ ૩૦ માછીમારોનું બંદૂકના નાળચે અપહરણ કરી લેતા માછીમારોમાં ખળભળાટ મચી ગયો છે. જખૌ નજીક આઈ.એમ.બી.એલ. સીમા ભારત-પાકિસ્તાનના ભાગલા વખતથી જ અસ્પષ્ટ હોવાને લીધે આઈ.એમ.બી.એલ. વિસ્તાર પર બન્ને દેશો દ્વારા પોતપોતાનો દાવો કરવામાં આવે છે અને તેથી જ આ વિસ્તારમાં ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી બન્ને પેટ્રોલિંગ કરે છે. પરંતુ પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી પેટ્રોલિંગના નામે અવારનવાર ભારતીય માછીમારોનું અપહરણ કરી પાકિસ્તાન ઉઠાવી જાય છે.