ધોરાજીઃ મુંબઈની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડની ટીમે કથિત પાકિસ્તાની જાસૂસ અને મૂળ ધોરાજીના બહારપુરાના વોરવાડ વિસ્તારમાં રહેતા અલ્તાફ હુસેન કુરેશીને રૂ. ૭૧ લાખની રોકડ મત્તા સાથે પાંચમીએ ઝડપી લીધો હતો. એ પછી મુંબઈ એટીએસ અને ઉત્તર પ્રદેશ પોલીસની ટીમે અલ્તાફ કુરેશીને ધોરાજી લાવીને તેના કામધંધા સહિતની બાબતે તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં અલ્તાફની પૂછપરછ દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેનું કનેક્શન ધોરાજીના શકમંદ જાવેદ નવીવાલા સાથે ખૂલ્યું હતું અને જાવેદ પણ ધોરાજીનો વતની હોઇ એટીએસની ટીમ બન્ને આરોપીને લઇને ધોરાજીમાં ફરી તપાસ કરશે.
અમારા જેવા નિર્દોષોને ફસાવવાનું કાવતરું
જોકે અલતાફ કુરેશીના ધરપકડના સમાચાર રાજકોટમાં ફેલાતાં આ મુદ્દે કુરેશીના નાના ભાઈ મુનાફ કુરેશીએ આરોપ મૂક્યો હતો કે, પોલીસથી કોઈ ગેરસમજ થઈ હોવાની શંકા છે. ઈકબાલે કદી કોઈ ગેરકાયદે કામ કર્યું નથી. સરકાર અમારા જેવા નિર્દોષ લોકોને અને કોઈ જ પ્રકારનું પીઠબળ નહીં ધરાવતા લોકોને ફસાવી દેવાનું કાવતરું કરી રહી છે.
મુનાફે કહ્યું હતું કે, જો તે આઈએસઆઈ માટે કામ કરતો હોત તો તેના બીજા સાથીદારો ક્યાં છે? ફક્ત અલતાફ જ કેમ? આઈએસઆઈ માટે એક જ વ્યક્તિ કામ કરતી હોય એવું કેવી રીતે શક્ય છે? તે થોડા વર્ષ પહેલાં પૈસા કમાવા મુંબઈ ગયો હતો. ઈકબાલ સાદગીપૂર્ણ જીવન જીવે છે. જો તે ખરેખર આઈએસઆઈ માટે કામ કરતો હોય તો પોલીસે મજબૂત પુરાવા આપવા જોઈએ.
અલતાફના માતા ઝરીનાબાનુએ પણ કહ્યું હતું કે મારો પુત્ર નિર્દોષ છે તે ક્યારેય આવા કામમાં સંડોવાયો નથી. તેથી સાથે કાવતરું થયું છે. અલતાફ ખૂબ જ સીધો સાદો યુવક છે.