પોરબંદર: એક બાજુ ગુજરાતના તટીય વિસ્તારોમાંથી માદક પદાર્થોના પેકેટ બિનવારસી મળી રહ્યાં છે અને પાકિસ્તાનની માછીમારીની બોટો પણ રેઢી મળી આવી છે ત્યારે એક વધુ ચોંકાવનારા અને ચિંતાજનક અહેવાલો મળી રહ્યાં છે.
એક અહેવાલ અનુસાર, ગત માસનાં પહેલાં પખવાડિયામાં પાકિસ્તાની નૌસેનાનાં એક જંગી જહાજે ભારતીય જળસીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતની નજીક ભારતીય જળસીમામાં પ્રવેશી ગયેલા પાક. યુદ્ધ જહાજ ‘પીએનએસ આલમીગર’ને ભારતીય તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ)ના ડોર્નિયર સર્વેલન્સ પ્લેનથી પરત ખદેડવામાં આવ્યું હતું.
જુલાઈના પહેલાં પખવાડિયામાં ચોમાસું જ્યારે ભરપૂર વરસી રહ્યું હતું ત્યારે જ ગુજરાતની જળસીમાએ પહેરેદારી કરતાં ડોર્નિયર એરક્રાફ્ટને પાક.નું જંગી જહાજ નજરે પડ્યું હતું અને તેને તત્કાળ ભારતીય હદમાંથી બહાર જવાની ચેતવણી આપવામાં આવી હતી.
ડોર્નિયર વિમાનમાંથી પાક. જહાજના ઇરાદા જાણવા માટે રેડિયો કોમ્યુનિકેશનના માધ્યમથી કોલ પણ કરવામાં આવ્યો હતો. જોકે, જહાજના કપ્તાને તેનો કોઈ વળતો જવાબ આપ્યો ન હતો.
આમ છતાં પણ જ્યારે પાક. જહાજ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં મળતાં ડોર્નિયરે તેને પરત ફરવા ફરજ પાડી હતી. જોકે, કોસ્ટ ગાર્ડ તરફથી હજી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી. પરંતુ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કોસ્ટ ગાર્ડ તરફથી કોઈ કઠોર કાર્યવાહીની દહેશતના પગલે પાક. જહાજને પાછા હઠવાની ફરજ પડી હતી.