રાજકોટઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ભારે તંગદિલી વચ્ચે પાકિસ્તાનના કરાચીમાં જ જન્મેલા બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યાં છે. રાજકોટમાં ૧૮મી ઓગસ્ટે કચ્છી મહેશ્વરી મેઘવાળ સમાજના યોજાયેલા સમૂહલગ્નમાં કરાચીથી આવેલા બે યુગલ અનિલ લાખિયા મહેશ્વરી અને નિશા લાખિયા મહેશ્વરી તેમજ ચેતન નારાયણ મહેશ્વરી અને મંજુલા ગોવિંગ મહેશ્વરી રાજકોટમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. બંને યુગલોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હિંદુઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. કેટલાક લોકો અને પોલિટિકલ પાર્ટીઓ પણ હિંદુ દીકરીઓને ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરે છે. રાજકોટ આવીને લગ્ન કરવા અંગે તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનમાં સ્વતંત્રતા નથી, આઝાદી નથી. ત્યાં લગ્ન કરવા પણ મુશ્કેલ છે. ભારતમાં અમે ધામધૂમથી લગ્ન કરી શકીએ એટલે અહીં સમૂહલગ્નમાં લગ્ન કર્યાં. ભારતમાં જ સારું જીવનધોરણ છે.
પાકિસ્તાનના ૭૦ યુગલે લગ્ન કર્યા
મહેશ્વરી યુવા સંગઠનના પ્રમુખ ભાવેશભાઈ વિસરિયા કહે છે કે મહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષે ઓગસ્ટમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાય છે જેમાં ગુજરાત અને પાકિસ્તાનથી અનેક યુગલો જોડાય છે. શનિવારે યોજાયેલા 7મા સમૂહલગ્નમાં પાકિસ્તાનના કરાચીથી આવેલા બે યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. અત્યાર સુધીમાં અંદાજિત ૭૦ જેટલા પાકિસ્તાની યુગલો રાજકોટમાં લગ્ન કરી ચૂક્યા છે.