વેરાવળઃ પાકિસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૯૧ માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય કરી પ્રથમ તબક્કાના ૧૪૪ માછીમારોને મુક્ત કરતા તેઓ પહેલી જાન્યુઆરીએ મોડી સાંજે વેરાવળ પહોંચ્યા હતા.
મુક્ત થયેલા માછીમારોએ ઉના તાલુકાના પાલડી ગામનો બંદીવાન માછીમાર કેન્સરની બીમારીથી પીડાતો હોવાના સમાચાર આપીને ભારત સરકારને વિનંતી કરી કે તેને વહેલી તકે છોડાવી તેની સારવાર કરાવવામાં આવે.
ભારતે પ૩૩ માછીમારોને મુક્ત કરવા માટે પાકિસ્તાન સરકારને અરજી કરી હતી જેમાંથી પાકિસ્તાન સરકારે ૨૯૧ માછીમારોને મુક્ત કરવાનું જાહેર કર્યું અને પ્રથમ તબક્કામાં ૧૪૪ માછીમારોને મુક્ત કરતાં તેઓ વાઘા બોર્ડરેથી અમૃતસર થઈને વડોદરા આવ્યા. જ્યાંથી તેઓ વતન પહોંચ્યા હતા.
મુક્ત થયેલા માછીમારોનું વેરાવળ નજીકના કીડીવાવમાં પોલીસે વેરીફીકેશન કર્યું હતું. ત્યારબાદ તમામ માછીમારો વેરાવળ ફીશરીઝની કચેરીએ પહોંચ્યા ત્યારે ફૂલોનાં હાર અને મીઠાઈ લઈને રાહ જોઈને ઊભેલાં પરિવારજનો પોતાના પુત્ર અને સ્વજનોને મળ્યાં.
માછીમારોએ જણાવ્યું કે પાકિસ્તાની જેલમાં તેમની પાસે આખો દિવસ સાફ-સફાઈના કામો કરાવવામાં આવતા હતા. દિવસમાં પાંચ રોટલી અને પાણી જેવા રસાવાળું શાક જેવું નબળી ગુણવત્તાનું ભોજન પીરસાતું હતું. ત્યાંની એનજીઓ દ્વારા તેઓને મીઠાઈ, કપડાં અને રોકડ રકમ સહિતની ગિફ્ટ અપાતી હતી. મુક્ત થયેલા માછીમારોમાં ગીર-સોમનાથ જિલ્લાના ૧૧૭, પોરબંદરના ૩, દ્વારકાના ૮, જામનગરનો ૧, સુરતનો ૧, દીવના૧૦, ઉત્તર પ્રદેશના ૩, બિહારના ૧નો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે.